બાળકોમાં જયારે પોતાના જ ભાઈ બહેન સાથે સરખામણી થાય છે ત્યાર બાળક ઈર્ષા અનુભવે
રચનાબહેનને બે બાળકો. કેયુર અને સાકેત. આમ તો રચનાબહેન ભણેલ ગણેલ ગૃહિણી હતા. માટે બંને બાળકોનો ઉછેર ખુબ સુંદર રીતે કરતા.પરંતુ ઘણી વખત તેમનાથી કેયુરની સરખામણી કેયુરના મિત્રો કે નાના ભાઈ સાકેત સાથે થઇ જતી. કેયુરને વારંવાર સંભાળવા મળતું, ‘જો સાકેત કેટલો સમજણો છે, હોંશિયાર છે. તું તો સાવ ઠોઠ છે!’ ‘કેયુર, તારો પેલો મિત્ર શ્યામ તો કેટલો ડાહ્યો થઇ ભણવાનું પૂરું પછી જ રમવા આવે છે. તું તો ભણતો પણ નથી.’ આ વાતો નું પરિણામ એ આવ્યું કે કેયુરે મિત્રો સાથે ભળવાનું ઓછું કરી નાખ્યું. ઘરમાં પણ સાકેત સાથે વારંવાર ઝગડી પડતો. સાકેતને ગુસ્સામાં બોલી પણ દેતો કે, ‘હા, હા. તું તો છે જ મમ્મીનો વહાલો દીકરો. ક્યારેય મારી પાસે આવતો નહિ.’ બન્યું એવું કે કેયુર અતડો બનતો ગયો અને ધીમે ધીમે કરીને કેયુર એક સમસ્યારૂપ બાળક બની ગયો. રચનાબહેન આખરે કેયુરને મારી પાસે લઈને આવ્યા. કેસ હિસ્ટ્રી વખતે રચનાબહેનનું વર્તન મારા ધ્યાનમાં આવ્યું. કલીનીકમાં પણ તેઓ કેયુરને કહેતા, ‘સીધો બેસ. જો સાકેત કેવો શાંતિથી બેઠો છે.’ કેયુર ત્યારે તો શાંત થઇ ગયો, પરંતુ તેનો ચહેરો કહેતો હતો કે તે ખુબ ગુસ્સે થયો છે.
કેસ હિસ્ટ્રી સંપૂર્ણ મેળવ્યા પછી કેયુરને તાસીર અનુસાર હોમિયોપેથીક દવા આપી અને રચનાબેન ને અંદર બેસાડયા. આવા ઘણા કેસ હોય છે, જેમાં માતા પિતા અનાયાસે પોતાના બાળકને સારું-શ્રેષ્ઠ બનાવવા માટે તેને સલાહ સુચન આપ્યા કરે છે. ઉપરાંત ક્યારેક અન્ય બાળક સાથે પોતાના બાળકની સરખામણી કરવા લાગે છે. સાત વર્ષના કેયુરની સરખામણી રચનાબહેન જયારે ચાર વર્ષના સાકેત સાથે કરતા કે અન્ય કોઈ મિત્રો સાથે કરતા ત્યારે કેયુરનું આત્મસમ્માન ઘવાતું. ખાસ તો બાળક સમજણ કેળવે પછી તેનામાં આત્મસમ્માન વિકસે છે. આથી બાળકને અપાતી સમજણ સિફતથી આપવી. જેથી બાળકનું આત્મસમ્માન ન ઘવાય. સરખામણી તો ક્યારેય ન કરવી. આ રીતે વારંવાર સરખામણી કરવામાં ઘણા માતા પિતા મને છે કે આ રીતે કરવાથી બાળક પોતાના વર્તનમાં ફેરફાર કરશે, અને બને છે તેનાથી ઊંધું. બાળકની જેની સાથે સરખામણી થતી હોય છે, તેના માટે તેના મનમાં ઈર્ષા જન્મે છે, જે બાળકના વિકાસમાં અવરોધરૂપ બને છે. રચનાબહેનને આ વાત તરતજ ગળે ઉતરી ગઈ. તેમણે જાતે જ ઘરમાં વાતાવરણ બદલી નાખ્યું. કેયુરની સરખામણી કરવાને બદલે કેયુરને તેની ખાસિયતો બતાવી. શાળામાં પણ ખાસ તાકીદ કરી કે કેયુરની સરખામણી અન્ય વિદ્યાર્થી સાથે ન કરવી. હોમીયોપેથીક દવાનું કામ ચાલુ જ હતું. સાથે આ સહાયક સૂચનો પર રચનાબહેને અમલ કર્યો અને કેયુર સંપૂર્ણ સ્વસ્થ બની ગયો.
આ ઉંમર માં બાળક જયારે સંપૂર્ણ સમજણ નથી ધરાવતું, પણ પોતાના પ્રત્યે અન્યાય થાય તો સમજી અનુભવી શકે છે, ત્યારે માતા – પિતા, શિક્ષકોએ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. શાળામાં પણ બાળકોને ઉતારી પડાય તો બાળકના માનસ પર ખરાબ અસર થાય છે. આવા સમયે બાળક આક્રમક બને તો તેમાં તેના ઉછેરમાં ક્યાંક ભૂલ છે એમ ચોક્કસ પણે કહી શકાય.
બાળકના આત્મસમ્માનને માન આપવા બાળક કોઈ સારું કાર્ય કરે તો તુરંતજ શાબાશી આપવી. કોઈ ભૂલ કરે તો પણ તુરંતજ પ્રેમથી સમજાવવું. ઘરની કોઈ નાની વસ્તુની ખરીદી વખતે પણ બાળકનો અભિપ્રાય માંગવો. જેથી સારી ખરાબ વસ્તુ વચ્ચેનો ભેદ બાળક સમજી શકે. આ ઉપરાંત તે જરૂરથી અનુભવશે કે મારું પણ આ ઘરમાં કોઈ માન છે, સ્થાન છે.
હોમિયોપેથીક અભિગમ :
બાળકોમાં જયારે પોતાના જ ભાઈ બહેન સાથે સરખામણી થાય તો બાળક ઈર્ષા અનુભવે છે. નાની ઉમરના બાળકો પોતાની વસ્તુઓ પ્રત્યે વધુ પડતા પઝેસીવ હોય છે. પોતાનો માલિકીહક્ક પોતાની વસ્તુઓ પર જતાવે છે. થોડું ઘણું આ બાબત સામાન્ય છે, પણ આ જ વાતમાં થી જયારે ઈર્ષા જન્મે છે તો એ નુકશાન કરે. હોમિયોપેથીક દવાઓ તાસીર મુજબ ઉપયોગી છે.
માતા પિતા કે પરિવારજનો કે શિક્ષકોની નાનકડી ભૂલને કારણે બાળક જયારે સરખામણીનો ભોગ બને છે, ત્યારે બાળકમાં ઈર્ષા જન્મે છે અને ક્યારેક બાળક અન્ય રીતે પણ પ્રતિભાવ આપે છે. તો અન્ય બાજુ એ પણ છે કે માતા પિતા અને શિક્ષકોની નાની અમસ્તી કાળજીથી બાળકનો સર્વાંગ સુંદર વિકાસ થાય છે. કોમળ પુષ્પ જેવા બાળકની ખાસ કાળજી રાખવી.