નવા 150 ફૂટ રિંગરોડ પર કરુણ અકસ્માત : પિતાની નજર સામે માસુમ દીકરીનું મોત
ટીલાળા ચોક પાસે ડમ્પરે બાઈકને અડફેટે લેતા 7 વર્ષની દીકરીનું કરુણ અંત, પિતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટમાં વધુ એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. શહેરના નવા 150 ફૂટ રિંગરોડ પર ટીલાળા ચોક નજીક પુરપાટ ઝડપે દોડી રહેલા ડમ્પરે બાઈકને અડફેટે લેતા પિતા અને પુત્રી રોડ પર ફંગોળાયા હતા. આ ભયાનક અકસ્માતમાં પિતાની નજર સામે જ 7 વર્ષની માસુમ દીકરીનું કરુણ મોત નિપજ્યું હતું, જ્યારે પિતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. દીકરીના અચાનક મોતથી ઘટનાસ્થળે તેમજ પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
મળતી માહિતી મુજબ, ઉમિયા ચોક પાસે આવેલા જશરાજનગર શેરી નં.5માં રહેતા ભાવેશભાઈ રમણીકભાઈ વખારિયા (ઉંમર 52) આજે સવારે પોતાની એકની એક પુત્રી નેતીને લઈને બાઈક પર ફરવા માટે નીકળ્યા હતા. પત્ની કાજલબેન નોકરીએ ગયેલા હોવાથી પિતા પુત્રી સાથે થોડો સમય પસાર કરવા બહાર નીકળ્યા હતા. દરમિયાન સવારે લગભગ 11 વાગ્યાના સમયે નવા રિંગરોડ પર મવડી બાયપાસ નજીક ટીલાળા ચોક પાસે પહોંચતા જ એક ડમ્પર ચાલકે બેદરકારીપૂર્વક વાહન હંકારી બાઈકને જોરદાર ટક્કર મારી હતી.

ડમ્પરની ટક્કર એટલી ગંભીર હતી કે બાઈક સવાર પિતા-પુત્રી બંને રોડ પર ફંગોળાઈ ગયા. ઘટનાસ્થળે હાજર લોકોએ તરત જ મદદ માટે દોડી આવ્યા, પરંતુ પિતાની નજર સામે જ તેની 7 વર્ષની દીકરી નેતીએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો. આ દૃશ્ય જોઈને આસપાસના લોકો પણ હચમચી ગયા હતા.
અકસ્માતની જાણ થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફત ઇજાગ્રસ્ત ભાવેશભાઈને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવની માહિતી મળતાની સાથે લોધિકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે સ્થળ પરની તપાસ હાથ ધરી, બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ભાવેશભાઈ પ્લાસ્ટિકના દાણાનો વેપાર કરે છે, જ્યારે તેમના પત્ની કાજલબેન શિક્ષક તરીકે ફરજ બજાવે છે. દંપતીને લગ્નના 22 વર્ષ બાદ દીકરી નેતીનો જન્મ થયો હતો. નેતી શહેરની પી.એન્ડ.બી. સ્કૂલમાં ધોરણ 1માં અભ્યાસ કરતી હતી. એકની એક દીકરીના અચાનક મોતથી માતા-પિતા સહિત સમગ્ર પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
નવા રિંગરોડ પર સતત વધતા અકસ્માતોને લઈને ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. ટીલાળા ચોકડી પાસે ડમ્પર ચાલકની બેદરકારી સામે આવતાં પોલીસે તેને તાત્કાલિક કસ્ટડીમાં લઈ તેના વિરુદ્ધ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.


