ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન ટીમ ઇન્ડિયાનું ખરાબ પ્રદર્શન જોઇને મોટું એક્શન લીધુ હતું અને 10 કડક નિયમો બનાવ્યા હતા. જેની અસર હાલમાં જ જોવા મળી હતી. હવે ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી માટે દુબઇ જશે. આ પ્રવાસમાં પણ ઘણી બધી બાબતો બદલાતી જોવા મળશે. અહેવાલો અનુસાર આ વખતે ખેલાડીઓ તેમના પરિવારને સાથે નહીં લઈ જાય. મળતી માહિતી મુજબ BCCI એ હવાઈ મુસાફરી માટે સામાન સંબંધિત એક નિયમ પણ બનાવ્યો છે. આખરે બોર્ડે સામાન માટે નવો નિયમ કેમ બનાવ્યો તે વિશે જાણીએ.
આ ખેલાડીને કારણે બદલ્યો નિયમ?
મહત્વનું છે કે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પછી BCCI એ એક સમીક્ષા બેઠક યોજી હતી અને ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફ માટે નવી માર્ગદર્શિકા બનાવી હતી. નવા નિયમો અનુસાર, ટીમ ઈન્ડિયાના કોઈપણ ખેલાડીને હવે હવાઈ મુસાફરી દરમિયાન 150 કિલોથી વધુ સામાન લઈ જવાની મંજૂરી નથી. હવે જો સામાન 150 કિલોથી વધુ હશે તો ખેલાડીએ વધારાના પૈસા એરલાઇન્સને પોતે ચૂકવવા પડશે. અત્યાર સુધી, જો ખેલાડી પાસે વધારાનો સામાન હોત તો BCCI એરલાઇન્સને વધારાના પૈસા ચૂકવતું હતું. પણ હવે આવું નહીં થાય.
નિયમ બદલવાનું કારણ શું?
એક મીડિયા રિપોર્ટ અનુસાર ટીમ ઇન્ડિયાના એક ખેલાડી ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન 27 બેગ અને ટ્રોલી બેગ લઇને ગયો હતો. જેમાં ક્રિકેટર ઉપરાંત નજીકના સ્ટાફ તથા પરિવારના બેગ્સનો પણ સમાવેશ થતો હતો. આ ખેલાડીની લગેજનું કુલ વજન 250 કિલોની આસપાસ હતું. ઓસ્ટ્રેલિયામાં પણ આ ખેલાડી આ સામાન દરેક જગ્યાએ પોતાની સાથે લઈ ગયો. આવી સ્થિતિમાં બીસીસીઆઈને આ સમયગાળા દરમિયાન ખેલાડીના સામાનનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવવો પડ્યો, જે લાખોમાં હતો. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે BCCI એ આ ખેલાડીના કારણે આ નિયમ બદલ્યો છે, કારણ કે આ ખેલાડીને જોયા પછી અન્ય ખેલાડીઓ પણ આવું જ કરવા લાગ્યા હતા.
આ ટુર્નામેન્ટ દરમિયાન કોઇ પણ ખેલાડી પોતાનો પર્સનલ સ્ટાફજેમ કે, શેફ, પર્સનલ મેનેજર, ટ્રેનર, સેક્રેટરી કે કોઇ આસિસ્ટન્ટ લઇને નહી જાય. તેમજ આ ખેલાડીઓએ સમગ્ર પ્રેક્ટિસ સત્ર દરમિયાન સાથે રહેવું પડશે અને સ્થળ સુધી સાથે મુસાફરી કરવી પડશે. જો કે હાલમાં જ ઇંગ્લેન્ડ શ્રેણીમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું હતું. બધા ખેલાડીઓ ટીમ બસમાં સાથે મુસાફરી કરતા હતા.


