- વિદ્યાર્થિનીઓની છેડતીની ઘટના બાદ બસ શરૂ કરાઇ
- ટ્રાન્સપોર્ટ મંત્રી દ્વારા પણ નોંધ લેવામાં આવી હતી
- ખાનગી વાહનમાં મુસાફરીમાં થાય છે હેરાનગતિ
હાલમાં વિદ્યાર્થિનીઓની છેડતીની ઘટના સામે આવ્યા બાદ રાજ્ય સરકાર સતર્ક બની છે. આ મામલે એવી પણ ફરિયાદ સામે આવી હતી કે, વિદ્યાર્થિનીઓ પાસે યોગ્ય બસની વ્યવસ્થા ન હોવાના કારણે તેમને પ્રાઇવેટ જીપનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. આ વચ્ચે હવે રાજ્ય સરકારે તાત્કાલિક બસ સેવા શરૂ કરાવી છે.
છોટા ઉદેપુરમાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી રહી છે. જેમાં બોડેલી થી નસવાડી નવીન બસ સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં બોડેલી થી સાંજના 4.30 વાગે બસ નીકળશે અને ત્યાંથી નસવાડી સુધી પહોંચશે. ખાનગી વાહનમાં મુસાફરીમાં હેરાનગતિ થવાની ફરિયાદ સામે આવતાં તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે.
અત્યાર સુધીમાં ત્રણ લોકોની ધરપકડ
નસવાડીમાં વિદ્યાર્થિનીઓની છેડતીના કેસથી રાજ્યભરમાં ખળભળાટ મચી ગયો હતો. આ મામલો સામે આવતા વિદ્યાર્થિનીઓના પરિવારજનો અને જિલ્લાના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આ મામલે ગંભીર નોંધી લીધી હતી અને પોલીસને કડક હાથે કામ લેવા સૂચના આપી હતી. ગૃહ મંત્રીની સૂચના બાદ પોલીસ હરકતાં આવી હતી અને વધુ 3 આરોપીની ધરપકડ કરી હતી.
સાંસદે આપી હતી પ્રતિક્રિયા
આ ઉપરાંત બસની સાથે વિદ્યાર્થિનીઓની સુરક્ષા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છેકે, સંખેડા તાલુકાની બાળકીઓ સાથે છેડતીની જે ઘટના બની તે મુદ્દે સાંસદ ગીતાબેન રાઠવાએ પ્રતિક્રિયા આપી હતી. આ ઘટનાને ગંભીર ગણાવી સખત શબ્દોમાં વખોડી કાઢી હતી. તેમણે જણાવ્યું કે, અમારી દીકરીઓ જે સ્કૂલમાં ગઈ હતી અને ઘરે પરત ફરી રહી હતી. એમાં જે ગુનેગારોએ કૃત્ય કર્યું છે આ ખૂબ જ ગંભીર બાબત છે.


