- ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યાને લઈને ખુલાસો
- નિજ્જરને ગોળી મારીને હત્યા કરનાર આરોપી કેનેડામાં
- અધિકારીઓ દ્વારા તેની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવી શકે
ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને મોટો ખુલાસો થયો છે. નિજ્જરને ગોળી મારીને હત્યા કરનાર આરોપી કેનેડામાં છે. કેનેડાના એક અહેવાલમાં જણાવ્યું છે કે ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યા કરનાર બે લોકોએ કેનેડા છોડ્યું નથી. અધિકારીઓ દ્વારા તેની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવી શકે છે.
હકીકતમાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટ્રુડોએ સપ્ટેમ્બરમાં નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે નિજ્જરની હત્યા ભારતીય એજન્ટો દ્વારા કરવામાં આવી હતી જેને ભારતે સંપૂર્ણપણે નકારી કાઢી હતી. ભારતે કહ્યું હતું કે ટ્રુડોનું નિવેદન રાજકીય રીતે પ્રેરિત હતું. આ વર્ષે 18 જૂને બ્રિટિશ કોલંબિયા પ્રાંતના સરે શહેરમાં ગુરુદ્વારા બહાર અજાણ્યા હુમલાખોરોએ હરદીપ સિંહ નિજ્જરની ગોળી મારીને હત્યા કરી દીધી હતી.
ધરપકડ બાદ દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે
અહેવાલ અનુસાર, બે શંકાસ્પદ લોકો મહિનાઓથી પોલીસની દેખરેખ હેઠળ હતા. રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ દ્વારા તેની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે બે શકમંદો સામે આરોપો દાખલ કરવામાં આવશે ત્યારે પોલીસ કથિત હત્યારાઓની સંડોવણી અને આ મામલે ભારત સરકારની સંડોવણી વિશે માહિતી આપશે.
આ બે શકમંદોની ધરપકડથી ‘દૂધનું દૂધ અને પાણીનું પાણી’ થઈ જશે. કેનેડાએ જે રીતે ભારત પર નિજ્જરની હત્યાનો આરોપ લગાવીને સંબંધો બગાડ્યા હતા. તે પછી આ બંને શકમંદો પાસેથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે જ્યારે તેમની પૂછપરછ કરવામાં આવશે ત્યારે તેઓ વિશ્વને કહેશે કે નિજ્જરની હત્યામાં ભારતની કોઈ ભૂમિકા નથી. જો આમ થશે તો કેનેડા દુનિયાની સામે ખરાબ રીતે ખુલ્લું પડી જશે.
કેનેડા ખાલિસ્તાનીઓ માટે આશ્રયસ્થાન
ભારત સતત કહી રહ્યું છે કે કેનેડા ખાલિસ્તાની આતંકવાદીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન બની રહ્યું છે. કેનેડામાં માત્ર ખાલિસ્તાની આતંકવાદીઓ જ નહીં, ગેંગસ્ટરો પણ છુપાઈને રહેવા લાગ્યા છે. ખાલિસ્તાની આતંકવાદીઓએ કેનેડામાં બેસીને ભારત વિરુદ્ધ ઝેરીલા નિવેદનો આપ્યા છે. જો કે આટલું થયા બાદ પણ કેનેડા તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ભારતે તો ત્યાં સુધી કહ્યું છે કે તે નિજ્જરની હત્યાની તપાસમાં સહયોગ કરવા તૈયાર છે.


