વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 22 સપ્ટેમ્બરના ન્યૂયોર્કમાં યોજાનારા કાર્યક્રમ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે, જ્યાં તેઓ ભારતીય સમુદાય સાથે વાત કરશે.
મેગા ઇવેન્ટ-મોદીએન્ડયૂએસ- ન્યૂયોર્કના યુનિયનડેલ સ્થિત નાસાઉ વેટરન્સ કોલેજિયમમાં આયોજિત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં લગભગ 14,000 લોકો હાજર રહેશે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. અહેવાલો અનુસાર કાર્યક્રમને લઈને તમામ બેઠકો પહેલેથી જ બુક થઈ ગઈ છે. ઉપલબ્ધ 13,000 બેઠકો માટે 25,000 કરતાં વધારે લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થયાના કલાકોમાં જ તમામ બેઠકો બુક થઈ ગઈ હતી. મોદી અને યુએસ કાર્યક્રમ માટે સ્વયંસેવકો અને દર્શકોમાં ભારે ઉત્સાહ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે. સાસ્કૃતિક કાર્યક્રમના ડિરેક્ટરે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ ભારતની વિવિધતાનો ઉત્સવ છે. તેણે ઉમેર્યું હતું કે અમારા વેલકમ પાર્ટનર્સ તથા ઉપસ્થિત લોકોની માફક આ કાર્યક્રમ ભારતના ચારેય ખૂણાઓમાંથી ડાન્સ તથા મ્યુઝિકની સાથે ભારતની વિવિધતાને દર્શાવશે.
મુખ્ય સ્ટેજ પર કલાકારો ભાગ લેશે
અહેવાલો અનુસાર કુલ 13,200 ઉપસ્થિત લોકો ભારતની ધાર્મિક, ભાષાકીય, સાંસ્કૃતિક વિવિધતાનું પ્રતિનિધિત્વ કરશે. આ સાથે તે 500થી વધારે વેલકમ પાર્ટનર્સ, 500 કલાકારો તથા પરફોર્મર્સ, 350 સ્વયંસેવકો, 150થી વધારે મીડિયા જગતના લોકો, 85થી વધારે મીડિયા આઉટલેટ તથા 40થી વધારે અમેરિકન રાજ્યોનું પ્રતિનિધિત્વ કરશે. આયોજકોના જણાવ્યા અનુસાર મોદી એન્ડ યુએસ કાર્યક્રમ બે સ્ટેજ પર થશે. એક મુખ્ય સ્ટેજ રહેશે તથા બીજું બહારનું સ્ટેજ રહેશે. મુખ્ય સ્ટેજ પર ઇકોઝ ઓફ ઈન્ડિયા-એ જર્ની થ્રૂ આર્ટ એન્ડ એડિશન નામનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે, જેમાં 382 રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તર પર જાણીતા કલાકારો ભાગ લેશે.
પીએમ મોદીએ ઓબામાને કહેલું તમારી કારમાં જેટલી સ્પેસ છે, એટલું મારી માનું ઘર છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ત્રણ દિવસના અમેરિકાના પ્રવાસે ગયા છે, ત્યાં તેઓ ડેલાવેરમાં યોજાનારી ક્વાડની બેઠકમાં ભાગ લેશે. આ પ્રવાસ મુલાકાત વખતે અમેરિકામાં ભારતીય રાજદૂત અને પૂર્વ વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ 2014ની પીએમ મોદીની અમેરિકા યાત્રા યાદ કરીને એક યાદગાર પ્રસંગ કહ્યો છે, જેમાં પીએમ મોદીએ અમેરિકાના તત્કાલીન રાષ્ટ્ર્પતિ બરાક ઓબામાને એમ કહેલું કે તમારી કારમાં અંદર જેટલી સ્પેસ છે, મારી માતા એટલી સાઇઝના મકાનમાં રહે છે. વિનય ક્વાત્રાએ કહ્યું કે 2014માં પીએમ મોદી અને તત્કાલીન અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા વચ્ચેની ઔપચારિક વાત પૂરી થયા બાદ પીએમ મોદી ઓબામાની લિમોઝિન કારમાં બેસીને ત્યાંથી લગભગ બે કિમી દૂર આવેલા માર્ટિન લ્યૂથર કિંગ મેમોરિયલ જવા રવાના થયા હતા. આ સમયે હું (વિનય ક્વાત્રા) અનુવાદક તરીકે તેમની કારમાં હાજર હતો. 10 મિનિટની આ મુસાફરી દરમિયાન બરાક ઓબામાએ વડાપ્રધાન મોદીને તેમનાં માતાપિતા અને પરિવાર વિશે પૂછયું હતું.


