- ગાયનેક ટેબલથી નીચે પટકાયું
- નવજાત નીચે પટકાતા માથામાં ઈજા
- પ્રસૂતાના પરિવારે ફરિયાદ કરવાનું ટાળ્યું
સુરતની મનપા સંચાલિત સ્મિમેર હોસ્પિટલનું લાલિયાવાડી અને હોસ્પિટલ સ્ટાફની બેદરકારીની વિગતો સાથે સમાચાર માધ્યમોમાં ચમકવું એ કોઈ નવી વાત નથી. પરંતુ આ વખતે જે બેદરકારી સામે આવી છે તે કોઈ પણ રીતે ક્ષમ્ય નથી. એક તાજું ડિલિવરી પામેલું નવજાત બાળક ટેબલ પરથી નીચે પછડાતા તેના માથામાં ઈજા થઈ હતી. હોસ્પિટલ તંત્રની આવી બેદરકારી બાદ પરિવારજનોમાં આ ઘટનાને લઈને રોષ ભભૂકી ઉઠ્યો હતો.
સુરતની મનપા સંચાલિત સ્મિમેર હોસ્પિટલમાં કાયમ કંઈક અવનવી ઘટનાઓ બનતી રહેતી હોય છે. વિવાદોની સતત નવી હારમાળા અને હેડલાઈન્સની સાથે પ્રસાર માધ્યમોમાં સ્મિમેરનું નામ આવવું તે જાણે કે એક સામાન્ય ઘટનાક્રમ બની ગયો છે. આટઆટલી વાર આવી અનેકો ઘટનાઓ પ્રકાશમાં આવી તેમ છતાં પણ અહીં કામગીરીમાં સહેજ પણ સુધારો થયો હોય તેવી કોઈ પણ બાબત દેખાઈ રહી નથી.
સ્મિમેર હોસ્પિટલમાં આ વખતે હોસ્પિટલ સ્ટાફની હદુપરાંતની બેદરકારીનો સર્વોત્તમ નમૂનો સામે આવ્યો હતો. અહીં એક નવજાત બાળકની ડિલિવરી થઈ હતી. આ તાજા જન્મેલા બાળકને એક ટેબલ પર મૂકવામાં આવ્યું હતું. જ્યાંથી તે સરક્યું હતું. બાળકની ધ્યાન રાખવાવાળું કોઈ સ્ટાફ ત્યાં હાજર ન હોવાથી તે નીચે જમીન પર પટકાયું હતું. આથી બાળકના માથામાં ઈજા પણ પહોંચી હતી. જો કે સદ્નસીબે બાળકને વધુ નુકસાન થયું હોવાની જાણકારી સામે આવી નથી અને હાલ તેની તબિયત પણ સ્થિર અને સારી જણાવાઈ રહી છે.
આ ઘટનાના પગલે બાળકની માતાના પરિવારજનોમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી. 9-9 માસ સુધી બાળકને પેટમાં રાખીને ઉછેરનારી જનેતા પોતાના સંતાનને સ્ટાફની એક બેદરકારીના લીધે નુકસાન થતું કેવી રીતે જોઈ શકે? આથી આ મામલાની જાણ થતાં જ પ્રસૂતાના પરિવારજનો ઘણાં નારાજ થયા હતા. સદ્નસીબે આ ઘટનાથી બાળકને કોઈ ગંભીર ઈજા થઈ હોવાનું સામે આવ્યું નથી. એટલે નવજાતના પરિવારે પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું છે.