- રાજ્યમાં ચાંદીપુરાના કેસ વધવામાં લાગી બ્રેક
- આજના દિવસમાં એકપણ નવો શંકાસ્પદ કેસ નહીં
- રાજ્યમાં ચાંદીપુરાના કુલ 153 શંકાસ્પદ કેસ
રાજ્યમાં આજે ચાંદીપુરા વાયરસને લઈને રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસ વધવામાં હવે બ્રેક લાગી છે અને આજના દિવસમાં રાજ્યમાં એક પણ નવો શંકાસ્પદ કેસ નોંધાયો નથી. હાલમાં રાજ્યમાં વાયરસના કુલ 153 કેસ નોંધાયેલા છે.
સૌથી વધુ ચાંદીપુરા વાયરસના 16 શંકાસ્પદ કેસ સાબરકાંઠામાં નોંધાયા
તમને જણાવી દઈએ કે રાજ્યમાં સૌથી વધુ ચાંદીપુરા વાયરસના 16 શંકાસ્પદ કેસ સાબરકાંઠામાં નોંધાયા છે. ત્યારે હાલમાં રાજ્યમાં 153 કેસમાંથી 57 કેસ પોઝિટવ નોંધાયા છે અને ચાંદીપુરા વાયરસના કારણે રાજ્યમાં 66 દર્દીઓના મોત થયા છે. ત્યારે હોસ્પિટલમાં 19 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે અને રાજ્યમાં અત્યાર સુધી 68 દર્દીઓ સાજા થયા છે.
વડોદરામાં 1 જ મહિનામાં ચાંદીપુરા વાયરસના 34 કેસ નોંધાયા
વડોદરામાં એક જ મહિનામાં ચાંદીપુરા વાયરસના 34 કેસ નોંધાયા હતા, જેમાંથી 19 દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા હતા. આ તમામ બાળકોના મોત પીડિયાટ્રિક વિભાગમાં થયા હતા. હાલ વડોદરામાં 8 બાળકો ચાંદીપુરા વાયરસને લઈ સારવાર લઈ રહ્યા છે, આ તમામ બાળકો ગ્રામ્ય વિસ્તારના હોવાની જાણકારી મળી રહી છે. ત્યારે નોડલ ઓફિસરના જણાવ્યા અનુસાર વડોદરામાં ગોધરા અને પંચમહાલથી ચાંદીપુરા વાયરસને લઈ બાળકો સારવાર લેવા આવી રહ્યાં છે, રોજના બે થી ચાર દર્દીઓ સારવાર લેવા માટે આવે છે.
કેવી રીતે ફેલાય છે આ વાયરસ?
ચાંદીપુરા વાયરસ ફેલાવતી સેન્ડ ફ્લાય માખી જોખમી હોય છે. ચાંદીપુરા વાયરસ સેન્ડ ફ્લાય માખી દ્વારા ફેલાય છે. જેમાં સેન્ડ ફ્લાય માખી ઘરની અંદરની બાજુએ કાચી કે પાકી દિવાલ પર ભેજવાળા વાતાવરણમાં થઈ જાય છે. તમને જણાવી દઈએ કે સેન્ડ ફ્લાય માખી નરી આંખે જોઈ શકાય છે પણ અન્ય માખીઓ કરતાં 4 ગણી નાની હોય છે. સેન્ડ ફ્લાય માખી ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં અને માટીના ઘરમાં દિવાલની તિરાડોમાં પોતાનું ઠેકાણું બનાવે છે. સેન્ડ ફ્લાય માખી દ્વારા ચાંદીપુરા ઉપરાંત કાલા આઝાર જેવા રોગ પણ ફેલાય છે. સામાન્ય રીતે 14 વર્ષ સુધીના બાળકો કે જેમની રોગપ્રતિકારકશક્તિ ઓછી હોય તેમને આ રોગ થવાનું જોખમ મોટા પ્રમાણમાં રહે છે.


