તહવ્વુર રાણાએ ભારતના અનેક શહેરોને નિશાન બનાવવા માટે 26/11ના મુંબઈ હુમલા જેવું આતંકવાદી કાવતરું ઘડ્યું હતું. તપાસ એજન્સીએ જણાવ્યુ હતુ કે, તે તપાસમાં સહકાર આપી રહ્યો નથી. અને બીમારીનું બહાનું બતાવી રહ્યો છે. 26/11 ના મુંબઈ આતંકવાદી હુમલાનો માસ્ટર માઈન્ડ તહવ્વુર રાણા હાલમાં NIA કસ્ટડીમાં છે. ગુરુવારે તહવ્વુર રાણાને ભારત લાવવામાં આવ્યો હતો.
આરોપી બીમારીનું બહાનું બનાવતો રહ્યો
NIA અધિકારીઓની એક બેઠક યોજાઈ હતી. જેમાં તહવ્વુર રાણાની પૂછપરછ માટે એક માળખું તૈયાર કરવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાણા પૂછપરછ દરમિયાન પોતાની બીમારીનું કારણ આપીને તપાસથી બચવાનો પ્રયાસ કરી રહ્યો છે. અમેરિકાથી પ્રત્યાર્પણ બાદ કોર્ટે રાણાને 18 દિવસની NIA કસ્ટડીમાં મોકલી દિધો છે. આ પછી શુક્રવારે સવારે તેમને NIA હેડક્વાર્ટર લાવવામાં આવ્યો હતો.
અન્ય શહેરોમાં પણ હુમલાઓનું આયોજન હતુ?
NIA ભારતમાં આતંકવાદી નેટવર્ક અને 26/11 હુમલાના કાવતરા સાથે સંબંધિત તમામ પાસાઓ પર તહવ્વુર રાણા પાસેથી માહિતી મેળવવા માંગે છે. તહવ્વુર રાણા પર ડેવિડ કોલમેન હેડલી, લશ્કર-એ-તૈયબા (LeT), હરકત-ઉલ-જેહાદી ઇસ્લામી (HUJI) અને અન્ય પાકિસ્તાની આતંકવાદીઓ સાથે મળીને 2008ના મુંબઈ આતંકવાદી હુમલાનું કાવતરું ઘડવાનો આરોપ છે. તપાસ એજન્સીને શંકા છે કે તહવ્વુર રાણાએ ભારતના અનેક શહેરોને નિશાન બનાવવા માટે 26/11ના મુંબઈ હુમલા જેવું આતંકવાદી કાવતરું ઘડ્યું હતું. કોર્ટે પોતાના આદેશમાં NIAને દર 24 કલાકે તહવ્વુર રાણાની તબીબી તપાસ કરાવવા અને દર બીજા દિવસે તેમને તેમના વકીલને મળવા દેવાનો પણ નિર્દેશ આપ્યો હતો.
દિલ્હી, કોચી, અમદાવાદ સહિત શહેરોની મુલાકાત
NIA અનુસાર, તહવ્વુર રાણા, તેમની પત્ની સમ્રાજ રાણા અખ્તર સાથે, 13 નવેમ્બરથી 21 નવેમ્બર, 2008 દરમિયાન ઉત્તર પ્રદેશના હાપુર અને આગ્રા, દિલ્હી, કોચી, અમદાવાદ અને મુંબઈની મુલાકાત લીધી હતી. તેમની મુલાકાત દેશભરમાં અન્ય સ્થળોને નિશાન બનાવવાના મોટા ષડયંત્રનો ભાગ હોઈ શકે છે.