- NIAએ બીએસએફ અને રાજ્ય પોલીસ દળ સાથે મળીને મેગા રેડ પાડી
- માનવ તસ્કરીના જુદા જુદા 4 કેસોમાં NIAનું 10 રાજ્યોમાં અભિયાન
- બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યાઓને લાવતા 44 દલાલોની કરી ધરપકડ
NIAએ બુધવારે 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચાલતા માનવ તસ્કરી નેટવર્ક સામે મોટી કાર્યવાહી કરી છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ આ અંગે માહિતી આપી છે. એજન્સીએ જણાવ્યું છે કે, બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) અને રાજ્ય પોલીસ દળો સાથે મળીને બુધવારે સવારે ભારતના ઘણા રાજ્યોમાં મોટા પાયે અભિયાન ચલાવવામાં આવ્યું. આ દરમિયાન માનવ તસ્કરીના 4 કેસમાં 44 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
એકસાથે સાથે પાડયા દરોડા
NIAએ જણાવ્યું હતું કે માનવ તસ્કરીને લઈને ગુવાહાટી, ચેન્નાઈ, બેંગ્લોર, જયપુરમાં NIA શાખાઓમાં નોંધાયેલા 4 કેસના સંદર્ભમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહી હેઠળ, આતંકવાદ વિરોધી એજન્સીએ ત્રિપુરા, આસામ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, તમિલનાડુ, તેલંગાણા, હરિયાણા, રાજસ્થાન, કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર અને પુડુચેરીમાં કુલ 55 સ્થળોએ એક સાથે દરોડા પાડ્યા હતા.
ભારતીય અને વિદેશી ચલણ જપ્ત કર્યું
આ દરમિયાન NIAએ મોબાઈલ ફોન, સિમ કાર્ડ અને પેન ડ્રાઈવ જેવા ડિજિટલ ઉપકરણો રિકવર કર્યા છે. આ ઉપરાંત આધાર કાર્ડ અને પાન કાર્ડ સહિત મોટી સંખ્યામાં ઓળખ સંબંધિત દસ્તાવેજો પણ મળી આવ્યા છે. તપાસ એજન્સીએ કહ્યું કે આ દસ્તાવેજો બનાવટી હોવાની આશંકા છે. આ સાથે 20 લાખ રૂપિયાની ભારતીય નોટો અને 4550 યુએસ ડોલર (3,78,819 રૂપિયા) પણ મળી આવ્યા છે.
44 દલાલોની કરાઇ ધરપકડ
તો સાથે સાથે, દરોડા દરમિયાન કુલ 44 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. જેમાં ત્રિપુરામાંથી 21, કર્ણાટકમાંથી 10, આસામમાંથી 5, પશ્ચિમ બંગાળમાંથી 3, તમિલનાડુમાંથી 2 અને પુડુચેરી, તેલંગાણા અને હરિયાણામાંથી 1-1ની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, આ દલાલો ગેરકાયદે બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યાઓને દેશના અલગ-અલગ ભાગોમાં મોકલતા હતા.