મુંબઈ : વૈશ્વિક નેગેટીવ પરિબળોની સાથે ભારતીય શેર બજારોમાં લાંબા સમયથી બનેલી ઓવરબોટ પોઝિશનને ફોરેન ફંડોએ મોટાપાયે હળવી કર્યા સાથે મોટા ઓપરેટરો મંદીમાં આવી જતાં શેરોમાં સાર્વત્રિક મોટું કરેકશન જોવાયા બાદ આજે સપ્તાહના અંતે ફંડોએ શોર્ટ કવરિંગની તેજી કરી હતી. ઈઝરાયેલ-હમાસ યુદ્વમાં ઈઝરાયેલના ગાઝા પટ્ટી પર હુમલા વધ્યા સાથે યુદ્વ મિડલ ઈસ્ટના અન્ય દેશોમાં ફેલાવાના વધતાં જોખમ વચ્ચે યુરોપ, અમેરિકાના શેર બજારોમાં નરમાઈ અને ક્રુડ ઓઈલના ભાવ ફરી વધ્યા છતાં ભારતીય શેર બજારોમાં આજે ફંડોએ શોર્ટ કવરિંગ કરતાં અને કોર્પોરેટ પરિણામોની અપેક્ષા, જાહેરાત વચ્ચે હેવીવેઈટ શેરોમાં લેવાલીએ ઝડપી રિકવરી જોવાઈ હતી. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, એક્સિસ બેંક સાથે બેંકિંગ શેરો અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એચસીએલ ટેકનોલોજી, ઈન્ફોસીસ, ટાટા મોટર્સ, નેસ્લે ઈન્ડિયાની આગેવાનીએ ફંડોની તેજીએ સેન્સેક્સ ૬૩૪.૬૫ પોઈન્ટની છલાંગે ૬૩૭૮૨.૮૦ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૧૯૦ પોઈન્ટ ઉછળીને ૧૯૦૪૭.૨૫ બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૭૯૯ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૮૦૧ અને ઘટનારની સંખ્યા ૮૬૬ રહી હતી.
બેંકેક્સ ૬૫૩ પોઈન્ટ ઉછળ્યો
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે શોર્ટ કવરિંગે બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૬૫૩.૩૮ પોઈન્ટની છલાંગે ૪૮૩૪૫.૭૪ બંધ રહ્યો હતો. કેનેરા બેંક રૂ.૨૦.૯૦ વધીને રૂ.૩૮૦.૭૫, બેંક ઓફ બરોડા રૂ.૭.૩૦ વધીને રૂ.૧૯૬.૬૦, એક્સિસ બેંક રૂ.૨૯.૬૫ વધીને રૂ.૧૦૦૧.૬૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૧૪.૩૫ વધીને રૂ.૫૬૧.૫૦, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૨૮.૧૫ વધીને રૂ.૧૪૪૨.૩૦, એચડીએફસી બેંક રૂ.૭.૪૫ વધીને રૂ.૧૪૭૦.૯૫ રહ્યા હતા.
ઓટો શેરોમાં વેચાણો કપાયા
ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં આજે આંશિક શોર્ટ કવરિંગ સાથે ફંડોની કંપનીઓના પરિણામોએ પસંદગીની લેવાલી રહી હતી. ટાટા મોટર્સ રૂ.૧૪.૨૫ વધીને રૂ.૬૪૦.૭૦, આઈશર મોટર્સ રૂ.૭૧ વધીને રૂ.૩૩૯૬.૩૦, ટયુબ ઈન્વેસ્ટમેન્ટ રૂ.૧૩૯.૨૦ વધીને રૂ.૩૦૬૫.૨૦, બજાજ ઓટો રૂ.૧૦૯.૯૫ વધીને રૂ.૫૩૭૩.૭૦, મારૂતી સુઝુકીના ત્રિમાસિક પરિણામ આકર્ષણે રૂ.૧૨૬.૪૫ વધીને રૂ.૧૦,૫૫૨.૯૦, બોશ રૂ.૧૯૨.૫૦ વધીને રૂ.૧૯,૮૧૪.૯૫, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૪૦.૬૦ વધીને રૂ.૨૫૯૮.૯૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૪૮૪.૩૧ પોઈન્ટ વધીને ૩૬૭૧૭.૯૯ બંધ રહ્યો હતો.
કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૬૩૪ પોઇન્ટ વધ્યો
કેપિટલ ગુડઝ શેરોમાં પણ ફંડોએ આજે શોર્ટ કવરિંગ સાથે પસંદગીની તેજી કરતાં બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૬૩૩.૯૫ પોઈન્ટ વધીને ૪૫૭૬૬.૮૨ બંધ રહ્યો હતો. પ્રાજ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૪.૨૦ વધીને રૂ.૫૪૦.૬૫, ગ્રાઈન્ડવેલ નોટર્ન રૂ.૭૯.૧૦ વધીને રૂ.૨૦૮૮, લક્ષ્મી મશીન વર્કસ રૂ.૪૪૧.૧૦ વધીને રૂ.૧૩,૬૦૦.૨૦, પોલીકેબ રૂ.૧૦૩.૨૦ વધીને રૂ.૪૯૭૫.૪૦, હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.૩૩.૫ વધીને રૂ.૧૮૫૩.૦૫, લાર્સન એન્ડ ટુબ્રો રૂ.૩૪.૮૦ વધીને રૂ.૨૮૯૯.૧૫ રહ્યા હતા.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રિઝલ્ટ પૂર્વે ઉછળ્યો
ઓઈલ-ગેસ શેરોમાં આજે ફંડોની પસંદગીની ખરીદી રહી હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રિઝલ્ટ પૂર્વે ફંડોની મોટી ખરીદીએ રૂ.૪૦.૨૫ ઉછળીને રૂ.૨૨૬૬.૪૫ રહ્યો હતો. ઓએનજીસી રૂ.૩.૪૦ વધીને રૂ.૧૮૪.૪૦, આઈઓસી રૂ.૮૬.૮૩, એચપીસીએલ રૂ.૧.૨૦ વધીને રૂ.૨૪૩.૪૫ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૨૦૫.૮૭ પોઈન્ટ વધીને ૧૮૦૫૫.૬૮ બંધ રહ્યો હતો.
DIIની શેરોમાં રૂ.૩૧૩ કરોડની ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-શુક્રવારે કેશમાં વધુ રૂ.૧૫૦૦.૧૩ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૯૩૬૦.૨૫ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૦,૮૬૦.૩૮ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ.૩૧૩.૬૯ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૭૧૩૫.૯૯ કરોડની ખરીદી સામે કુલ રૂ.૬૮૨૨.૩૦ કરોડની વેચવાલી થઈ હતી.
રોકાણકારોની સંપતિ રૂ.૪.૪૧ લાખ કરોડ વધી
સપ્તાહના અંતે સેન્સેક્સ, નિફટી બેઝડ ઝડપી રિકવરી સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડો લેવાલ બનતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૪.૪૧ લાખ કરોડ વધીને રૂ.૩૧૦.૪૫ લાખ કરોડ પહોંચી ગયું હતું.