- આફ્રિકી દેશ નાઇજીરિયામાં બંદૂકધારીઓનો હુમલો
- હુમલામાં 40 લોકોના મોત
- ઉત્તર મધ્યમાં સ્થિત પઠાર રાજ્યની ઘટના
આફ્રિકન દેશ નાઈજીરિયાના જુરાક ગામમાં બંદૂકધારીઓએ હુમલો કરતા 40 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. હુમલાખોરોએ અનેક ઘરોમાં પણ આગ લગાવી તેમજ કેટલાક લોકોનું અપહરણ પણ કર્યું હોવાનું રહેવાસીઓએ જણાવ્યું છે. આ ઘટના ઉત્તર-મધ્ય નાઇજીરીયામાં સ્થિત પઠાર રાજ્યની છે. જ્યાં અવારનવાર ખેડૂતો અને પશુપાલકો વચ્ચે અથડામણ થતી રહે છે.
મૃતકોની સંખ્યા વધી શકે
પઠાર પોલીસના પ્રવક્તા આલ્ફ્રેડ અલાબોએ જણાવ્યું હતું કે પઠાર બંગાલાલા જંગલોમાં સુરક્ષા એજન્ટો દ્વારા કરવામાં આવેલા હુમલાથી ભાગી રહેલા ડાકુઓએ સોમવારે મોડી રાત્રે જુરાક અને ડાકાઈ ગામોમાં આવી પહોંચ્યા હતા. તેઓએ હુમલો કરતા જવાબી કાર્યવાહીમાં સુરક્ષા એજન્ટોએ સાત હુમલાખોરોને મારી નાખ્યા હતા. જ્યારે ડાકુઓએ નવ લોકોની હત્યા કરી હતી. ગામના રહેવાસીઓનું કહેવું છે કે મૃત્યુઆંક ઘણો વધારે છે. બંદૂકધારીઓ ડઝનથી પણ વધારે હતા. તેઓ બાઇક પર આવ્યા અને ગામમાં અંધાધૂંધ ફાયરિંગ શરૂ કર્યુ હતું.લોકોના ઘર પણ બાળી નાંખ્યા હોવાનું જણાવ્યું.
અવારનવાર બને છે હુમલાની ઘટના
મહત્વનું છે કે હાલમાં ઉત્તર નાઇજીરિયાના ગ્રામીણ વિસ્તારમાં હુમલા અને ખંડણીની ઘટના સામાન્ય બની ગઇ છે. સશસ્ત્ર ટોળકીઓ ગામ, શાળા અને પ્રવાસીોને નિશાનો બનાવીને લાખોની ખંડણી માંગે છે. નાઇજીરીયા સુરક્ષાના પડકારોથી ઘેરાયેલુ છે. જેમાં ઉત્તર પૂર્નમાં 14 વર્ષથી ચાલી રહેલા ઇસ્લામી વિદ્રોહ, દક્ષિણ પૂર્વમાં અલગાવવાદી હિંસા અને મધ્ય ક્ષેત્રમાં ખેડૂતો અને પશુપાલકો વચ્ચે વારંવાર થતી અથડામણનો સમાવેશ થાય છે.


