પૂર્વોત્તર નાઈઝીરિયામાં કુખ્યાત એવા આતંકવાદી જૂથ બોકો હરામે એક ભયાનક હુમલો કર્યો છે. જેમાં ઓછામાં ઓછા 100 ગ્રામ્ય લોકોનાં મોત થયા છે. આ ઘટના નાઈઝીરિયામાં આવેલા યોબે તારમુવા ક્ષેત્રમાં બની છે. સ્થાનિક લોકો અનુસાર 50થી વધુ આતંકવાદીઓ બાઈક પર આવ્યા અને તેઓએ સૌથી પહેલા ગોળીબાર કર્યો અને બાદમાં ઈમારતમાં આગચંપી કરી હતી.
નાઈઝીરિયા દેશના યોબેના ડેપ્યુટી ગવર્નરના નિવેદન અનુસાર, આ હુમલામાં 34 લોકોનાં મોત થયા છે. પરંતુ સ્થાનિક નેતા અનુસાર મૃતકોની સંખ્યા 102 છે. તેમને વધુમાં જણાવ્યું કે, મૃતકોને અધિકારીઓ પહોંચે તે પહેલાં તેમની અંતિમ સંસ્કાર થઈ ગયા હતા અથવા મૃતદેહોને બીજા સ્થાને લઈ જવામાં આવ્યા હતા. જો કે તપાસમાં હજી ઘણા લોકોનો કોઈ અતોપતો નથી.
સૌથી ઘાતક હુમલાઓમાંનો એક
આ આતંકવાદી હુમલાની જવાબદારી લેતા આતંકવાદી જૂથે કહ્યું કે, આ કાર્યવાહી ગ્રામજનો દ્વારા સુરક્ષાકર્મીઓને તેઓની ગતિવિધિની જાણકારી આપવાના બદલામાં કરવામાં આવી છે. આ હુમલા ગત વર્ષે સૌથી વધુ ઘાતક હુમલામાંનો એક મનાઈ રહ્યો છે. જે નાઈઝીરિયામાં વધતી અસુરક્ષા અને આતંકવાદની સ્થિતિ દર્શાવે છે.
બોકો હરામ શું છે ?
બોકો હરામ એક ઈસ્લામી કટ્ટરપંથી જૂથ છે, જેની સ્થાપના વર્ષ-2002માં થઈ હતી. આનો મુખ્ય હેતુ નાઈઝીરિયામાં શરિયા કાયદો લાગુ કરવો અને પશ્ચિમી શિક્ષણનો વિરોધ કરવાનો છે. આ જૂથે ગત 10 વર્ષમાં હજારો લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે. જ્યારે લાખો લોકો બેઘર બન્યા છે. બોકો હરામના હુમલા માત્ર ગ્રામ્ય વિસ્તાર જ નહિ પરંતુ શાળાઓ અને ધાર્મિક સ્થળો પર પણ થતા રહેતા હોય છે. આના લીધે આસપાસના વિસ્તારમાં ડર અને અસુરક્ષાનું વાતાવરણ સર્જાયું છે.
નાઈઝીરિયાની સરકાર અને સુરક્ષાદળો આ સમસ્યાને દૂર કરવા ઘણા પ્રયાસો કરી રહી છે પરંતુ સ્થિતિમાં સુધાર લાવી શકી નથી. સ્થાનિક જૂથોને સુરક્ષા આપવી અને હુમલા રોકવા માટે નક્કર પગલાં લેવાની જરૂર છે.


