નાઇજીરીયાના નાઇજર રાજ્યમાં આવેલા ભયંકર પૂરથી તબાહીના દ્રશ્યો જોવા મળ્યા છે. હમણા સુધી 88 લોકોએ જીવ ગુમાવ્યા છે. ઘર અને બજારોમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. કુદરતી કહેર સામે માનવી લાચાર બન્યો છે. પાણીના પ્રવાહમાં ઘર અને બજારનો સામાન વહી રહ્યો છે. હાલ સ્થાનિકો પોતાતો જીવ બચાવવા માટે સુરક્ષિત સ્થળોએ પહોંચી રહ્યા છે.
ભારે પૂરથી થયો વિનાશ
નાઇજીરીયાના નાઇજર રાજ્યમાં આવેલા ભયંકર પૂરથી ભારે વિનાશ થયો છે. બજારો, ઘરો અને રસ્તાઓ ડૂબી ગયા છે. અહીં જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. પૂરને કારણે અત્યાર સુધીમાં 88 લોકોના મોત થયા છે. નાઇજર રાજ્યના મોકવા નામના બજાર નગરમાં કુદરતી આફતે કહેર વરસાવ્યો છે. નાઇજર રાજ્યની રાજધાની મિન્નામાં ઇમરજન્સી ઓફિસના વડા હુસૈની ઇસાહે જણાવ્યું હતું કે ઘણા લોકો હજુ પણ જોખમમાં છે અને હાલ બચાવ કામગીરી ચાલુ છે. પરિસ્થિતિ વધુ બગડતા મૃત્યુઆંક વધી શકે છે.
પૂરની સાથે વરસાદ પણ શરુ
નાઇજીરીયાના નાઇજર રાજ્યમાં સતત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે પૂરની સ્થિતિ અતિ વિકટ બની છે. તો આ તરફ, નજીકના શહેરમાં બંધ તૂટવાથી પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી. આ શહેર દક્ષિણ અને ઉત્તર નાઇજીરીયાના વેપારીઓ અને ખેડૂતો માટે એક મુખ્ય વેપાર કેન્દ્ર માનવામાં આવે છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો જ્યારે નાઇજીરીયાના ઉત્તરપૂર્વીય ભાગ માદુગુરીમાં ભારે વરસાદ અને બંધ તૂટવાથી 30 લોકો મૃત્યુ થયા હતા અને લાખો લોકો બેઘર બન્યા હતા.