- પશુઓને બચાવવા લાકડીઓ સાથે ખેતરોમાં ચોકી કરતા પશુપાલકો
- દેવનદી કાંઠાના પશુપાલકોના પશુધનને નિશાન બનાવતો દીપડો
- કિનારાના પશુપાલકોનાં પશુધનને દીપડો નિશાન બનાવતો હતો
વાઘોડિયામાં દીપડાનો આંતક યથાવત રહેતા પશુપાલકોએ ખેતરોમાં તેમજ સીમમાં પોતાના પશુઓને દીપડાથી બચાવવા માટે રાત્રી ફેરી શરૂ કરી છે. વાઘોડિયા તાલુકાના સાંગાડોલ ગામની સીમમાં મોડી રાત્રી દરમિયાન પશુપાલકના પશુનું દીપડાએ મારણ કર્યું હતું. એક જ પશુપાલક માલિકનાં પાંચ દિવસમાં બે વાછરડાનું દીપડાએ મારણ કરતા પશુપાલકો ચિંતામાં મુકાયા હતા. એક ચાર વર્ષની વાછરડી તેમજ એક આઠ માસના વાછરડાનું દીપડાએ મારણ કર્યું હતું.
હાલ કેટલાંક સમયથી વાઘોડિયાના નદી કિનારાના પશુપાલકોનાં પશુધનને દીપડો નિશાન બનાવતો હતો. જેને પગલે દીપડાની દહેશતને લઈ પશુ પાલકો તેમજ ખેડૂતો એ રાત્રી ફેરી સીમમાં ફ્રવાનું ચાલુ કર્યું છે. દીપડો રાત્રિ દરમિયાન જુદા જુદા ગામોમાં પશુ પાલકોનાં ખેતરોમાં બાંધેલા પશુઓ પર હુમલો કરી શિકાર બનાવી ભાગી જાય છે. જુદા જુદા ગામોમાં કેટલાક પશુઓનું દીપડો અત્યાર સુધી મારણ કરી ચૂક્યો છે. સાથે વન વિભાગ દીપડાને પાંજરે પુરવા મથામણ કરી રહ્યું છે. પરંતુ ચબરાક દીપડો પાંજરે પુરાતો નથી. દીપડાના પશુઓ પર થતા હુમલાને લઈ પશુપાલકો ચિંતિત બન્યા છે. જેને કારણે દિવસે ખેતરોમાં મજૂરી કામ કરીને રાત્રિ દરમિયાન પોતાના પશુઓને દીપડાથી બચાવવા માટે રાત્રી ઉજાગરા કરી પશુપાલકોને પોતાનાં પશુઓ બચાવવા માટે સીમમાં તેમજ ખેતરોમાં રાત્રિ રોન ચાલુ કરી છે. સાથે તો કેટલાક પશુ પાલકો પોતાના પશુઓને દીપડાથી બચાવવા માટે સાંજે સૂરજ ડૂબતાની સાથે જ ખેતરોમાંથી પોતાના ઘરે લઈ જઈ રહ્યા છે. સાથે પશુપાલકોની એક જ માગ ઉઠી છે કે, વનવિભાગ દ્વારા કોઈપણ પ્રકારે પશુભક્ષી દીપડાને પાંજરે પૂરે તેમ પશુપાલકો ઈચ્છી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી દેવનદી કાંઠા વિસ્તારમાં ચબરાક દીપડાને પેંઘો પડયો છે. વનવિભાગ દ્વારા પાંજરુ મુકવા છતા દીપડો પકડાતો નથી. અને પશુપાલકોમાં પોતાના પશુઓના જીવ બચાવવા માટે ભયનો માહોલ સર્જાયો છે. જેને લઇને પંથકના પશુપાલકો એકજૂટ થઈને પંથકના નદીકાંઠાના ખેતર વિસ્તારમાં પશુધનને બચાવવા માટે રાત્રિ જાગરણ અને વિસ્તારમાં રોન કરી રહ્યા છે.


