- મુસ્લિમ સમાજમાં લગ્નની ધૂમ સિઝન
- દિવાળીના તહેવારો પછીયે બજારોમાં ઘરાકી
- મહેંદી, મેકઅપ, ડેકોરેશન, રસોયા અને બેન્ડ-વાજાવાળાને તડાકો
મુસ્લિમ સમાજમાં હાલમાં લગ્નની ધૂમ સિઝન ચાલી રહી છે, જે આગામી 10મી માર્ચ સુધી ચાલવાની છે. એક અંદાજ પ્રમાણે અમદાવાદ શહેરમાં આગામી ત્રણ મહિનામાં 2500થી વધુ યુગલો નિકાહ કબૂલ કરવાની પવિત્ર રસમ અદા કરશે. દર વર્ષ કરતાં આ વખતે મોટા પાયે લગ્નો લેવાયા છે, પુર બહારમાં ખીલેલી લગ્ન સિઝનના કારણે શહેરના વિવિધ બજારોમાં દિવાળી પછીયે જોરદાર ઘરાકી નીકળી છે. ઘરઆંગણે તો લગ્નો થઈ રહ્યા છે, સાથે જ સમૂહ લગ્નોના કાર્યક્રમો પણ યોજાવાના છે, અમદાવાદમાં રિવર ફ્રન્ટ ઉપર એક સામાજિક સંસ્થા દ્વારા આગામી ફેબ્રુઆરીમાં એક હજાર યુગલોના સમૂહ નિકાહ થવાના છે, એ જ રીતે છીપા સમાજના 35થી 40 જેટલા યુગલોના જાન્યુઆરીમાં સમૂહ નિકાહ થવાના છે, અન્ય સમાજ-જમાત દ્વારા પણ સમૂહ નિકાહ-લગ્નના કાર્યક્રમોનું આયોજન કરાઈ રહ્યું છે.
લગ્ન સિઝનના કારણે અત્યારે અમદાવાદ શહેરના વિવિધ બજારોમાં ઘરાકી નીકળી છે. દુલ્હન-દુલ્હાના મોંઘાદાટ વસ્ત્રો, રેડીમેઈડ કાપડ બજાર, સોના-ચાંદીના દાગીનાની ખરીદી શરૂ થઈ છે. સગા-વ્હાલા દ્વારા દુલ્હન કે દુલ્હાને લગ્ન પ્રસંગે સોના-ચાંદીના દાગીના સહિત અન્ય જીવન જરૂરી વસ્તુઓની ગિફ્ટની નવાજેશ કરાતી હોય છે, આ ખરીદીની સાથે મહેંદી, મેકઅપ, ડેકોરેશન, બેન્ડ વાજા, ઘોડાઘાડી, ફૂલહાર સહિતના વ્યસાય ધરાવતા નાના મોટા વ્યવસાયકારો-વેપારીઓને તડાકો પડયો છે. લગ્ન પ્રસંગને લઈ પાર્ટીપ્લોટ, હોલનું છ મહિના પહેલેથી જ એડવાન્સમાં બુકિંગ થયું છે, મોટે ભાગે શનિવાર અને રવિવારે લગ્નનું આયોજન થતું હોય છે પણ પાર્ટીપ્લોટ-હોલના બુકિંગ થઈ શક્યા નથી તેમણે શનિવાર અને રવિવાર સિવાય અન્ય દિવસોમાં પણ નાછૂટકે લગ્નની તારીખો લીધી છે અથવા તો ઘરઆંગણે જ લગ્ન યોજવાનું નક્કી કર્યું છે. શહેરના ખ્યાતનામ રસોયા-ભઠિયારાઓની પણ જોરદાર ડિમાન્ડ છે, સારા કેટરર્સને મોટા પાયે ઓર્ડર મળી રહ્યા છે.
શહેરમાં મુસ્લિમોની મોટી વસતિ છે તેવા જમાલપુર, બહેરામપુરા, દાણીલીમડા, શાહઆલમ, વટવા, કાલુપુર, રખિયાલ, ગોમતીપુર, બાપુનગર, જુહાપુરા-સરખેજ, રાયખડ, મિર્ઝાપુર, શાહપુર સહિત શહેરની મધ્યમાં આવેલા વિવિધ વિસ્તારોમાં એક અંદાજ પ્રમાણે 2500થી વધુ યુગલો લગ્નના તાંતણે બંધાશે. મોટે ભાગે રમજામ માસમાં લગ્નો લેવાતાં નથી, 12મી માર્ચ આસપાસ રમજાન માસનો પ્રારંભ થવાનો છે એ પહેલાં ધૂમ લગ્નો છે.
લગ્નમાં થતાં બેફામ ખર્ચ રોકવા સમૂહ નિકાહમાં જોડવા પ્રયાસો
સામાન્ય લોકો સહિત માલેતુજારો પણ સમૂહ નિકાહના કાર્યક્રમમાં સામેલ થાય તે માટે કેટલાક મુસ્લિમ આગેવાનો મહેનત કરી રહ્યા છે, લગ્નમાં ધૂમ ખર્ચ કરવાને બદલે સમૂહ નિકાહમાં જોડાઈને, બચાવેલા નાણાંનો શિક્ષણ ક્ષેત્રે ઉપયોગ થાય તે માટે છીપા એક્શન કમિટીએ પ્રયાસો શરૂ કર્યા છે. શહેરના એક પરિવારે લગ્ન માટે 15 લાખના ખર્ચનો અંદાજ માંડયો હતો, જોકે પાછળથી સમૂહ લગ્નમાં જોડાવાનું નક્કી કરતાં, હવે આ પરિવારે જે નાણાં બચાવ્યા છે તેનાથી એક નાનો ફ્લેટ ખરીદવાનો નિર્ણય કર્યો છે. કેટલાક સમાજોએ લગ્નમાં ડીજે વગાડવા, ફટાકડા ફોડવા પર પાબંદી ફરમાવી છે, લગ્નમાં થતાં ખોટા ખર્ચા રોકવાના આશયે આવા નિર્ણય વિવિધ સમાજો દ્વારા લેવાઈ રહ્યા છે.


