- ત્રણ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે, ટ્રાફિકજામ સર્જાયો
- ડીસામાં બનાસપુલ પાસે બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો
- કંડક્ટર સહિત નવ જેટલા પેસેન્જરને ગંભીર ઈજા પહોંચી
ડીસામાં બનાસપુલ પાસે બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ધાનેરા-અમદાવાદ બસ ડીસામાં બનાસપુલ પાસેથી પસાર થઈ રહી હતી અને બસ ચાલક રિક્ષાની ઓવરટેક કરી રહ્યો હતો તે સમયે અચાનક રિક્ષામાં ભરેલા લોખંડના સળિયા બસના કાચ તોડીને અંદર ધૂસી ગયા હતા. જેથી કંડક્ટર સહિત નવ જેટલા પેસેન્જરને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત થયો હોવાની જાણ થતા જ ડીસાની બે અને ગઢની એક એમ કુલ ત્રણ 108 એમ્બ્યુલન્સ વાનની ટીમો પણ તરત જ બનાવ સ્થળે પહોંચી હતી. અને તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડયા હતા. જેમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ કેટલાક મુસાફરોની હાલત વધુ નાજુક હોવાથી તેમને વધુ સારવાર માટે પાલનપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
ઉલ્લેખનીય છે કે અકસ્માત થયા બાદ તરત જ બસ ચાલક બસ મૂકી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. અકસ્માત બાદ જ બસ ચાલક ત્યાંથી નાસી જતા લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. બનાવના પગલે પોલીસ ધટના સ્થળે પહોંચી હતી. અને ત્રણ કિલોમીટર થયેલ ટ્રાફિકને હટાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


