– ઓટો ઉદ્યોગ માટે વર્તમાન નાણાં વર્ષ પ્રોત્સાહક બની રહેવા અપેક્ષા
Updated: Oct 13th, 2023
મુંબઈ : વર્તમાન નાણાં વર્ષ દેશના ઓટો ઉદ્યોગ માટે સંતોષકારક રીતે પસાર થવાની શકયતા જોવાઈ રહી છે. ઊતારૂ વાહનો તથા થ્રી વ્હીલર્સની આગેવાની હેઠળ વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ૬ મહિનામાં ઓટો રિટેલ વેચાણમાં વાર્ષિક ધોરણે નવ ટકા વૃદ્ધિ જોવા મળી છે.
નાણાં વર્ષ ૨૦૨૨-૨૩ના પ્રથમ ૬ મહિમાં એકંદરે ૧.૦૧ કરોડ વાહનોના રજિસ્ટ્રેશનની સામે વર્તમાન નાણાં વર્ષના આ ગાળામાં કુલ રજિસ્ટ્રેશન આંક ૧.૧૦ કરોડ રહ્યો છે, એમ ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશનના સુત્રોએ જણઁાવ્યું હતું.
દરેક પ્રકારના વાહનોના રિટેલ વેચાણમાં વધારો થયો છે જેમાં સૌથી વધુ વેચાણ થ્રી વ્હીલર્સનું થયું છે. માલસામાનના લોડિંગ માટે થ્રી વ્હીલર્સની માગ વધી રહી છે.
ઊતારૂ વાહનોનું વેચાણ ૬ ટકા વધી ૧૮,૦૮,૩૧૧ એકમ રહ્યું છે. વર્તમાન વર્ષના એપ્રિલથી સપ્ટેમ્બરમાં ઊતારૂ વાહનોનો રિટેલ વેચાણ આંક વિક્રમી રહ્યો છે. ગયા નાણાં વર્ષના પ્રથમ ૬ મહિનામાં ૧૭,૦૨,૯૦૫ વાહનોનો રેકોર્ડ આ વર્ષે તૂટયો છે.
ઊતારૂ વાહનોમાં નવા લોન્ચિંગ ઉપરાંત ઉત્પાદકો તરફથી પ્રોત્સાહક ઓફરો વેચાણમાં વૃદ્ધિ માટે કારણભૂત રહ્યા છે.
થ્રી વ્હીલર્સના વેચાણમાં ૬૬ ટકા વધારો થઈને ૫,૩૩,૩૫૩ એકમ રહ્યું હોવાનું ફાડા દ્વારા એક નિવેદનમાં જણાવાયું છે. ટુ વ્હીલર્સના વેચાણમાં સાત ટકા વૃદ્ધિ થઈને ૭૮,૨૮,૦૧૫ વાહનો રહ્યું છે. કમર્સિઅલ વાહનો તથા ટ્રેકટર્સના રિટેલ વેચાણમાં પણ અનુક્રમે ૩ ટકા અને ૧૪ ટકા વૃદ્ધિ થઈ છે.
વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ૬ મહિનાની જેમ પાછલા ૬ મહિના પણ ઓટો રિટેલ વેચાણ માટે પ્રોત્સાહક પસાર થવાની ઉદ્યોેગ દ્વારા અપેક્ષા રાખવામાં આવી રહી છે.