- બિહાર વિધાનસભામાં ગુસ્સે ભરાયા નીતિશ
- પૂર્વ સીએમ જીતન રામ માંઝી પર થયા ગુસ્સે
- જાતિ સર્વેક્ષણને લઇને ટિપ્પણી કરતા પિત્તો ગયો
બિહાર વિધાનસભા હાલ ચર્ચામાં રહે છે. કારણ કે પહેલા 75 ટકા અનામતનો પ્રસ્તાવ, ત્યારબાદ સીએમ નીતિશ કુમારનું વિવાદિત નિવેદન અને હવે સીએમ નીતિશ કુમારના ગુસ્સાને કારણે ચર્ચાનો વિષય બન્યો છે. વાત એમ છે કે બિહાર વિધાનસભામાં જાતિગત સર્વે અને અનામતન વધારવા મુદ્દે ચર્ચા ચાલી રહી હતી જે દરમિયાન cm નીતિશ કુમાર અને પૂર્વ સીએમ જીતનરામ માંઝી પર અચાનક જ ભડકી ઉઠ્યા. શું હતું કારણ આવો જાણીએ.
માંઝી મારી મુર્ખતાથી મુખ્યમંત્રી બન્યા- નીતિશ કુમાર
વાત એમ હતી કે બિહાર વિધાનસભામાં ગુરુવારે જાતિ સર્વેક્ષણ અને અનામતનો વ્યાપ વધારવા પર ચર્ચા ચાલી રહી હતી. આ ચર્ચા વચ્ચે જીતનરામ માંઝીએ કહ્યું કે બિહારમાં વસ્તી ગણતરી યોગ્ય રીતે થઈ નથી. જો આમ થશે તો તેનો લાભ યોગ્ય લોકો સુધી નહીં પહોંચે. આ દરમિયાન નીતિશ કુમાર ઉભા થયા અને જીતનરામ માંઝી પર પ્રહારો કર્યા. નીતિશ કુમારે કહ્યું – તું શું બોલીશ, અમે તો તમને ભૂલથી મુખ્યમંત્રી બનાવી દીધા હતા. માંઝી તો મારી મૂર્ખતાથી મુખ્યમંત્રી બન્યા હતા.
જીતન રામ રાજ્યપાલ બનવા માંગે છેઃ નીતિશ કુમાર
બિહારના સીએમ નીતીશ કુમાર પૂર્વ સીએમ જીતનરામ માંઝીની વાતથી એટલા ગુસ્સે થઈ ગયા કે તેઓ પોતાની સીટ પરથી ઉભા થઈ ગયા. નીતીશ કુમારે કહ્યું, કે આને બોલવા કોણે દીધા. આમને બોલવાની તક કોણે આપી ? નીતિશ કુમારે આરોપ લગાવ્યો કે માંઝી હવે રાજ્યપાલ બનવા માંગે છે, તેથી જ તેઓ ભાજપ સાથે ગયા છે, હવે ભાજપે તેમને રાજ્યપાલ બનાવી દે.
નીતીશકુમારને આવ્યો ભયંકર ગુસ્સો
જીતનરામ માંઝી સાથેની ચર્ચા દરમિયાન નીતિશ કુમાર ખૂબ જ ગુસ્સામાં જોવા મળ્યા હતા. જ્યારે તેઓ પોતાની સીટ પરથી ઉભા થયા અને માંઝી પર ગુસ્સે થવા લાગ્યા ત્યારે બે મંત્રી વિજય ચૌધરી અને સંજય ઝા તેમને શાંત કરતા જોવા મળ્યા. વારંવાર તેનો હાથ પકડીને બેસાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તે સીટ પર બેઠા ન હતા.