- વિધાનસભામાં નીતિશ કુમારે સમજાવ્યું જાતી વસ્તી ગણતરીનું ગણિત
- નીતિશ કુમારે બિહાર સરકારની સિદ્ધિઓ ગણાવતા કર્યા ગંદા ઇશારા
- પ્રતિક્રિયા આપતા ભાજપના મહિલા ધારાસભ્ય ચોધાર આંસુએ રડ્યા
બિહાર વિધાનસભામાં મુખ્યમંત્રી નીતિશ કુમારના એક નિવેદનને લઈને વિવાદ શરૂ થઈ ગયો છે. વસ્તી નિયંત્રણને લઈને તેમના નિવેદનની ટીકા થઈ રહી છે. બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવે બેશક તેમના નિવેદનને સમર્થન આપ્યું છે. પરંતુ ભાજપે આ મામલે નીતિશ કુમારને ઘેર્યા છે.
બિહારમાં જાન્યુઆરી મહિનામાં જાતિ આધારિત વસ્તી ગણતરીની પ્રક્રિયા શરૂ થઈ હતી. તેના પરિણામ આવ્યા બાદ જ્યાં એક તરફ વિપક્ષ તેના આંકડા પર સવાલ ઉઠાવી રહ્યો છે તો બીજી તરફ બિહાર સરકાર તેને મોટી ઉપલબ્ધિ ગણાવી રહી છે. આવી સ્થિતિમાં બિહાર વિધાનસભામાં મુખ્યમંત્રી નીતિશ કુમારે જાતિ આધારિત વસ્તીગણતરીનું ગણિત સમજાવીને લોકોને પોતાના વિચારો રજૂ કર્યા. જોકે નીતિશ કુમારે કરેલા નિવેદનને લઈને હવે વિવાદ શરૂ થઈ ગયો છે.
ભાજપ બિહારે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું છે કે ભારતની રાજનીતિમાં નીતિશ બાબુ જેવો અશ્લીલ નેતા આજ સુધી નથી જોયો. નીતીશ બાબુના મગજમાં એડલ્ટ બી ગ્રેડ ફિલ્મોનો કીડો ઘૂસી ગયો છે. જાહેરમાં તેમના ડબલ મીનિંગ સંવાદો પર પ્રતિબંધ લાગવો જોઈએ. એવું લાગે છે કે સંગતનો રંગ ચઢી રહ્યો છે.
કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે નીતિશ કુમારનું માનસિક સંતુલન બગડી ગયું છે. તેમણે વિધાનસભામાં જે પ્રકારનું અભદ્ર નિવેદન આપ્યું છે તેનાથી તેઓ સંસ્કારી સમાજનું પ્રતિનિધિત્વ કરવા માટે અયોગ્ય છે. તેમણે રાજીનામું આપવું જોઈએ.
વિધાનસભા ગૃહમાં નીતિશના વિવાદાસ્પદ નિવેદન બાદ ભાજપના મહિલા ધારાસભ્ય નિવેદિતા સિંહ ચોધાર આંસુએ રડવા લાગ્યા હતા. ગૃહની બહાર પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે આજે નીતિશ કુમારે ગૃહમાં જે પ્રકારનું નિવેદન આપ્યું છે તેનાથી મહિલાઓને શરમ આવી છે. હું ગૃહમાં તેમનું નિવેદન સાંભળવાની હિંમત ન કરી શકી અને બહાર નીકળી ગઈ. તેઓએ માત્ર બિહારની જ નહીં પરંતુ સમગ્ર દેશની મહિલાઓને શર્મશારી કરી છે.