- ચેખલા ગામે ક્લબના ડેવલપરને સત્તાવાળાઓએ નોટિસ પાઠવેલી
- હાઈકોર્ટનો મનાઈ હુકમ 16 ફેબ્રુઆરીની સુનાવણી સુધી યથાવત્
- ડેવલપમેન્ટ કે બાંધકામ માટેની કોઇપણ પ્રકારની પરવાનગી પણ આપી નથી
જીડીસીઆરની જોગવાઇઓનો સરેઆમ ભંગ કરીને પશ્ચિમ અમદાવાદના છેડે ચેખલા અને વાંસજદા ગામ નજીક અદ્યતન સુવિધા સાથેની આકાર પામવા જઇ રહેલી સ્પોર્ટસ કલબની વિકાસ પ્રક્રિયા સામે ફરમાવેલો મનાઇહુકમ હાઇકોર્ટે આજે એક બહુ મહત્ત્વના આદેશ મારફ્તે લંબાવી દીધો છે. ઔડા તરફ્થી આજે હાઇકોર્ટ સમક્ષ બહુ મહત્ત્વપૂર્ણ ખુલાસો કરાયો હતો કે, ઔડા દ્વારા આ સૂચિત સ્પોર્ટસ કલબના કોઇ નકશા મંજૂર કરાયા નથી કે, તેના ડેવલપમેન્ટ કે બાંધકામ માટેની કોઇપણ પ્રકારની પરવાનગી પણ આપી નથી. જેને ધ્યાનમાં લઇ જસ્ટિસ સંગીતા વિશેણે સૂચિત સ્પોટ્ર્સ કલબના ડેવલપમેન્ટ સામેનો સ્ટે લંબાવ્યો હતો. હાઇકોર્ટે અગાઉ હુકમમાં સ્પષ્ટ કર્યું હતું કે, પ્રસ્તુત કેસમાં વિવાદીત જમીન એ એગ્રીકલ્ચર-1 ઝોનમાં આવે છે અને તેની પર સ્પોટ્ર્સ કલબ જેવી કોમર્શીયલ પ્રવૃત્તિને મંજૂરી આપી શકાય નહી અને રાજય સરકાર, ઔડા, સ્પોર્ટ કલબ ઓફ્ ગુજરાત, ડેવલપર શાંતિકૃપા એસ્ટેટ પ્રા.લિ સહિતના સંબંધિત સત્તાવાળાઓને નોટિસ જારી કરી તેઓનો જવાબ માંગ્યો હતો. કેન્યાના નૈરોબી ખાતે રહેતા એનઆરઆઇ દ્વારા હાઇકોર્ટમાં કરાયેલી રિટ અરજીમાં એડવોકેટે કેટલાક મહત્ત્વના મુદ્દાઓ હાઇકોર્ટના ધ્યાન પર મૂકતાં જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લાના કલોલ તાલુકાના ચેખલા ગામ વચ્ચે આવેલ જમીન પરની અધર સાઇડ સોસાયટીમાં અરજદાર પણ પોતાનો પ્લોટ ધરાવે છે અને તેમના પ્લોટની સામે સોસાયટીનો વિશાળ કોમન પ્લોટ આવેલો છે, જેની પર ડેવલપર દ્વારા આ વિવાદીત સ્પોર્ટ કલબ આકાર પામવા જઇ રહી છે. ડેવલપર શાંતિકૃપા એસ્ટેટ પ્રા.લિ દ્વારા 2008માં આ પ્રોજેકટ માટે બિનખેતીની મંજૂરી મેળવી લીધી હતી.


