દરેક ઝોનની કચેરી પર જન્મ-મરણની નોંધણીની કામગીરી શરૂ થશે
રાજકોટ શહેરનું કદ વધતાં હવે લોકોને રાજકોટ મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે જાહેરસેવાના કામો માટે ન જવું પડે તે માટે કામનું વિકેન્દ્રીકરણ શરૂ થયું છે. જે મુજબ જન્મ-મરણના દાખલા જેવી પ્રાથમિક બાબતો માટે દરેક વિસ્તારની ઝોનલ ઓફિસમાં કામગીરી શરૂ થશે. આ માટે સંબંધીત રજીસ્ટ્રારની નિમણુંક કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
શહેરના રીંગરોડ પર આવેલી વેસ્ટઝોનની ઓફિસ, ઢેબર રોડ પર આવેલ સેન્ટ્રલ ઝોન અને ભાવનગર રોડ પર આવેલ ઇસ્ટઝોન કચેરીએથી જન્મના દાખલામાં ૨૦૦૨ પછી અને ૨૦૨૦ સુધીના જન્મ રેકોર્ડમાં નામ દાખલ કરવાનું રહી ગયું હોય તો તે કામગીરી શાળા છોડયાના પ્રમાણપત્ર કે બોનાફાઇડ સર્ટીફિકેટના આધારે કરવામાં આવશે. જન્મ અને મરણના દાખલામાં કોઇ ભૂલ રહી હોય તો તે સુધારા માટે જરૂરી દસ્તાવેજો રજૂ કર્યેથી ઝોનલ કચેરીએ કામગીરી થશે. ઘરે મરણના બનાવની નોંધ પણ ઝોનલ કચેરીએ થશે નોંધણી રહી ગઇ હોય તો પણ જરૂરી દસ્તાવેજોથી તે કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આધારકાર્ડ કઢાવતી વખતે જન્મના દાખલામાં જે નામ હોય તે જ નામ આધારકાર્ડમાં આવતું હોય છે અને આધાર અનેક સેવા સાથે લિન્કઅપ હોય છે ત્યારે આવી કામગીરી માટે લોકોની કાયમી લાંબી કતારો લાગતી રહે છે. હવે મનપાએ દરેક ઝોનલ ઓફિસમાં જ સબ રજીસ્ટ્રાર કે જન્મમરણ સુપ્રી.ની નિમણુંક કરી દીધી છે.