જિનપિંગે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ચીનના લોકોને સંબોધિત કર્યા હતા. દેશવાસીઓને અભિનંદન આપતાં તેમણે કહ્યું કે બેઇજિંગથી હું તમને બધાને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું. આ દરમિયાન તાઈવાનનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે ચીન સાથે તાઈવાનના વિલીનીકરણને કોઈ રોકી શકશે નહીં. તાઈવાન અને ચીનના લોકો એક પરિવાર છે.
સમગ્ર વિશ્વમાં નવા વર્ષ-2025ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે તાઈવાનને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ચીન સાથે તાઈવાનના વિલીનીકરણને કોઈ રોકી શકશે નહીં. તાઈવાન અને ચીનના લોકો એક પરિવાર છે. અમારા પારિવારિક સંબંધોને કોઈ તોડી શકે નહીં.
ચીનમાં વિવિધ નીતિઓ અપનાવી વિકાસ કરાયો
ચીનની અર્થવ્યવસ્થામાં તેજી આવી છે. અર્થતંત્ર ઉપર તરફ આગળ વધી રહ્યું છે. નવા વર્ષમાં જીડીપી 130 ટ્રિલિયન યુઆનને પાર થવાની ધારણા છે. અનાજનું ઉત્પાદન 700 મિલિયન ટનને વટાવી ગયું છે. વિકાસને જોરદાર વેગ મળ્યો છે. શહેરીકરણ અને ગ્રામીણ વિસ્તારો વચ્ચે પરસ્પર વિકાસ થયો છે. વધુમાં 2024 માં અમે દેશ અને વિદેશમાં બદલાતા વાતાવરણની અસરોને સક્રિયપણે પ્રતિસાદ આપ્યો છે. અમે વિકાસને આગળ વધારવા માટે શ્રેણીબદ્ધ નીતિઓ અપનાવી છે.
તાઇવાનને પોતાનું સભ્ય ગણાવ્યું તો તાઈવાને ચીન પર આક્રમણની ગેમ બનાવી
તાઈવાનનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે મકાઉની માતૃભૂમિ પરત ફરવાની 25મી વર્ષગાંઠની પૂર્વ સંધ્યાએ મેં આ શહેરની મુલાકાત લીધી હતી. ત્યાંનો વિકાસ જોઈને મને સંતોષ થયો. તાઈવાન અને ચીન એક જ પરિવારના સભ્યો છે. અમારા સંબંધોને કોઈ તોડી શકે નહીં. ચીનના તાઈવાનના એકીકરણને કોઈ રોકી શકશે નહીં. તો બીજી તરફ ચીન 20 વર્ષ પછી તાઈવાન પર હુમલો કરી શકે છે, તેથી તાઈવાનની ગેમિંગ કંપનીએ આ યુદ્ધ માટે પહેલેથી જ તૈયારી કરી લીધી છે. તાઈવાનની મિઝો ગેમ્સે એક બોર્ડ ગેમ વિકસાવી છે જેમાં ખેલાડીઓને 20 વર્ષ પછી કાલ્પનિક ચીની આક્રમણમાં ભાગ લેવાની તક મળે છે. તાઈવાનની ગેમિંગ કંપની આ ગેમને એવા સમયે રિલીઝ કરી રહી છે જ્યારે ચીન આ ટાપુની આસપાસ પોતાની સૈન્ય હાજરી અને દબાણ વધારી રહ્યું છે.
નવા વર્ષની સંધ્યાએ દેશને સંબોધન
જિનપિંગે કહ્યું કે દુનિયામાં અણધાર્યા ફેરફારો ઝડપથી થઈ રહ્યા છે. તેથી વિખવાદ અને સંઘર્ષથી ઉપર ઉઠવું અને માનવતાની ખાતર દરેકની કાળજી લેવી મહત્વપૂર્ણ છે. ચીન તમામ દેશો સાથે મિત્રતા અને સહયોગને પ્રોત્સાહન આપશે. આપણે સાથે મળીને વિશ્વ માટે વધુ સારું ભવિષ્ય બનાવવું જોઈએ.
તેમણે કહ્યું કે કેટલીકવાર સપના અધૂરા રહી જાય છે પરંતુ સમર્પિત પ્રયત્નોથી તેને પૂરા કરી શકાય છે. ચીનના આધુનિકીકરણની નવી યાત્રામાં દરેકની ભૂમિકા છે. દરેકના પ્રયત્નો મહત્વપૂર્ણ છે. ચાલો આપણે નવી આશાઓ સાથે નવા વર્ષનું સ્વાગત કરીએ. દેશમાં સૌહાર્દ અને સમૃદ્ધિ રહે. દરેકના સપના સાકાર થાય. નવું વર્ષ આપ સૌ માટે સુખ અને શાંતિ લઈને આવે એવી પ્રાર્થના.