- ગીર સોમનાથ જિલ્લામાં મહારક્તદાન શિબિર
- તમામ બ્લડ બેન્કોને લોહી અર્પણ કરાયું
- રેકોર્ડબ્રેક 1400 બોટલ લોહી એકત્રિત કરાયું
ગીર સોમનાથના કોડીનારના પેઢાવાડા ગામ સમસ્ત દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં ગામના સ્વર્ગસ્થ સ્વજનોની યાદમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવા તેમજ લોહીનાં કારણે કોઈએ જીવ ન ગુમાવવો પડે તેવા પ્રેરણાદાયી અને અન્યને ઉપયોગી થવાના ઉમદા હેતુથી સ્વૈચ્છિક મહારક્તદાન કેમ્પનું આયોજન કરી 1400 બોટલ બ્લડ એકત્રિત કરી સૌરાષ્ટ્રની તમામ બ્લડ બેન્કોને અર્પણ કર્યું હતું.
આ મામલે વધુ જાણકારી અનુસાર ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના પેઢાવાડા ગામે એક સ્વૈચ્છિક મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સુપ્રસિદ્ધ રગતિયાદાદાના સાનિધ્યમાં સમસ્ત ગામ દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં ગામના દસ જેટલા સ્વર્ગસ્થ સ્વજનોની યાદમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી વડવા-પૂર્વજોની આત્માને શાંતિ મળે તેવા હેતુ સાથે આ પહેલનું આયોજન કર્યું હતું. ખાસ કરીને આ પહેલમાં એક અન્ય હેતુ કોઈ પણ લોકોને બ્લડના અભાવે જીવ ન ગુમાવવો પડે તેવો છે, જેના માટે આ પહેલ શરૂ કરવામાં આવી હતી. જેમાં સ્વૈચ્છિક મહારક્તદાન અને ખીચડી પ્રસાદનું આયોજન કરી ગામલોકોએ સ્વજનોને અનોખી રીતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી 1111 બોટલ લોહી એકત્રિત કરવાના સંકલ્પ સાથે શરૂ કરેલા કેમ્પમાં 1400 બોટલ જેટલું રેકોર્ડબ્રેક લોહી એકત્રિત કરવામાં આવ્યું હતું. આ રકતદાન શિબિરમાં એકઠું થયેલું લોહી સૌરાષ્ટ્રની તમામ બ્લડ બેંકો સુધી પહોંચાડવામાં આવ્યું હતું. આ મહારક્તદાન શિબિરનો આરંભથી હેતુ જ એ હતો કે કોઈને પણ લોહીની જરૂરિયાતને લીધે જીવ ગુમાવવો નહિ.

સૌરાષ્ટ્રની જૂનાગઢ અને રાજકોટ સિવિલ સહિત નામાંકિત બ્લડ બેંકોની ટીમો તેમજ એચ.ડી.એફ.સી બેંક ના સહયોગથી 100 બેડની ઉત્તમ વ્યવસ્થા સાથે સ્વૈચ્છિક મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. ખાસ તો આ કેમ્પમાં રક્તદાન કરનારા દરેક વ્યક્તિના બ્લડ ગ્રુપની યાદી તૈયાર કરી ગામના યુવાનો પાસે રખાશે જેથી ઇમરજન્સીના સમયે જરૂરિયાત મુજબ તાત્કાલિક લોહી આપી કોઈ પણ વ્યક્તિનું જીવન બચાવી શકાય. આ બ્લડ ડોનેશન કેમ્પમાં ગીર સોમનાથ જિલ્લાના તમામ તાલુકાના સર્વે સમાજના યુવાનો,વડીલો એ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું. આ ઉપરાંત ખાસ વાત તો એ રહી કે આ કેમ્પમાં 400 બોટલ જેટલું બ્લડ મહિલાઓ દ્વારા આપવામાં આવ્યું જેનો એક અનોખો રેકોર્ડ નોંધાયો હતો. અહીં ખાસ પેઢાવાડા ખાતે રગતીયા દાદાના સાનિધ્યમાં ખીચડી પ્રસાદનું અનેરૂં મહત્વ હોય તેથી આ મહારક્તદાન કેમ્પની સાથે સાથ મહાખીચડી પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 6000 થી વધુ લોકોએ એક પંગતે બેઠી ખીચડી પ્રસાદ લીધો હતો.

આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ગામના 150 યુવાનોની ટીમે સતત 10 દિવસ ખડેપગે રહી સફળ આયોજન કર્યું હતું. જેને ગીર સોમનાથ જિલ્લાના સાંસદથી લઈને સરપંચ સુધીના હાજર તમામ અગ્રણી આગેવાનોએ આવકાર્યું હતું. સમગ્ર કેમ્પમાં 1400 બોટલ બ્લડ એકત્રિત થયું હતું જે જરૂરિયાતમંદ દર્દીઓને સેવામાં અર્પણ કરવા માટે સૌરાષ્ટ્રની તમામ બ્લડ બેન્કોને ગામના યુવાનો દ્વારા અર્પણ કરવામાં આવ્યું હતું તેમજ આ મહારક્તદાન કેમ્પ પાછળનો મુખ્ય હેતુ રાષ્ટ્રસેવા,માનવસેવા, જનસેવા જેવા રચનાત્મક કાર્યોનો હતો. આની સાથે જ સમસ્ત પેઢાવાડા ગામના સર્વે સાથે મળીને નિર્ણય લીધો હતો કે હવે નિત્યક્રમ મુજબ દર વર્ષે ગામમાં મહા રક્તદાન કેમ્પ યોજવામાં આવશે. આમ ખરા અર્થમાં લોકોને ઉપયોગી થવાના હેતુથી કરાયેલા આ કાર્યો બદલ આયોજકોને સમગ્ર જિલ્લામાંથી પધારેલા આગેવાનોએ બિરદાવ્યા હતા.


