તમારું મન પહેલેથી જ પૂર્વના સંસ્કારોથી બંધાયેલું એટલે કે સંસ્કારબદ્ધ છે; તમારા મનનો કોઈ પણ ભાગ સંસ્કારબદ્ધ ન થયો હોય તેવો નથી. આ હકીકત છે, તમને તે ગમે કે નહીં. તમે કદાચ એમ કહો કે તમારો એક અંશ – એ નિરીક્ષક, એ પરમતત્ત્વ, આત્મા છે- જે સંસ્કારબદ્ધ નથી, કારણ કે તમે તેના વિશે વિચારો છો તેથી તે વિચારના ક્ષેત્રમાં જ છે; તેથી તે સંસ્કારબદ્ધ છે. તમે તેના વિશે અનેક સિદ્ધાંતો શોધી શકો, પરંતુ હકીકત એ છે કે તમારું સભાન મન અને અભાન મન પહેલેથી જ સંસ્કારબદ્ધ છે અને તે તેનાથી મુક્ત થવા માટે જે પ્રયત્ન કરે તે પણ સંસ્કારબદ્ધ હોય છે.
તો મન શું કરે? અથવા એમ કહીએ કે, મનની એવી કોઈ અવસ્થા છે કે જેમાં તે એ જાણે કે પોતે સંસ્કારબદ્ધ છે અને એ સમજે કે તેને સંસ્કારબંધન વગરનું કરવા માટેનો પ્રયત્ન પણ એક સંસ્કારબંધન છે?
હવે જ્યારે તમે એમ કહો છો: `હું જાણું છું કે હું સંસ્કારબદ્ધ છું’, ત્યારે શું તમે ખરેખર તે જાણો છો, કે પછી તે માત્ર શાબ્દિક કથન છે? શું તમે તેને સાપને જાણતા હો તે રીતે ખાતરીપૂર્વક જાણો છો? જ્યારે તમે કોઈ સાપને જુઓ છો ત્યારે તમે તેને એક સાપ તરીકે જાણો છો, એટલે ત્યાં બીજા કોઈ વિચાર વગર, તત્કાલ ક્રિયા ઉદ્ભવે છે; અને જ્યારે તમે એમ કહો છો, `હું જાણું છું કે હું સંસ્કારબદ્ધ છું’, ત્યારે શું તમે તે રીતે, નાગ વિશેની સમજણ જેટલી સમજણ સાથે કહો છો? કે પછી તે હકીકતની સ્પષ્ટ અનુભૂતિ નહીં, પરંતુ કેવળ ઉપરછલ્લું હકીકતનું બયાન છે?
જ્યારે મને એ હકીકતનું ભાન થાય કે હું સંસ્કારબદ્ધ છું ત્યારે તેના વિશે તાત્કાલિક ક્રિયા ઉદ્ભવે છે. પોતાને સંસ્કારબંધનથી મુક્ત કરવા માટે મારે કોઈ પણ પ્રકારનો પ્રયત્ન કરવાનો હોતો નથી. હું સંસ્કારબદ્ધ છું એ હકીકત જ અને એ હકીકતનું ભાન થવામાત્રથી જ તાત્કાલિક સ્પષ્ટતા ઉદ્ભવે છે. મુશ્કેલી તેને ન સમજવામાં અને તેના સઘળા સૂચિતાર્થો ન સમજવામાં છે.
આ બધાં સંસ્કારબદ્ધ વિચારોને ભલે તે ગમે તેટલા સૂક્ષ્મ હોય, ગમે તેટલા ધૂર્ત હોય કે પછી હોશિયાર હોય, ભલે તે ગમે તેટલા સુસંસ્કૃત હોય અથવા તો તત્ત્વજ્ઞાનથી ભરેલા હોય તેમ છતાં તે સંસ્કારબદ્ધ હોય છે એ ન સમજવામાં જ મુશ્કેલી હોય છે.