ભારતીય ક્રિકેટ ટીમના સફળ કેપ્ટન તરીકે ગણના પામનાર ક્રિકેટર રોહિત શર્મા માટે ગતરોજનો દિવસ વધુ મહત્વનો રહ્યો. 16 મેના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે ભારતના દિગ્ગજ ક્રિકેટર રોહિત શર્માના નામ પર સ્ટેન્ડનું અનાવરણ કરવામાં આવ્યું. રોહિતને મળેલ આ સન્માન બાદ દેશ અને વિદેશના ક્રિકેટર તરફથી અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. રાહુલ દ્રવિડ દ્વારા ક્રિકેટર રોહિતને ખાસ અંદાજમાં અભિનંદન આપવામાં આવ્યું. રાહુલ દ્રવિડે કહ્યું કે હવે જ્યારે પણ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મેચ રમાશે ત્યારે ટિકિટની કોઈ ચિંતા નહીં રહે.
રાહુલ દ્રવિડે આપી શુભેચ્છા
ક્રિકેટ જગતમાં ‘ધ વોલ’ તરીકે જાણીતા રાહુલ દ્રવિડે પોતાની ખાસ શૈલીમાં રોહિત શર્માને આ સન્માન બદલ શુભેચ્છા પાઠવી. તેમણે કહ્યું, “મને આશા છે કે આ તમારા માટે, તમારા પરિવાર અને મિત્રો માટે એક અદ્ભુત દિવસ રહેશે.” આ સન્માન ફક્ત રોહિત માટે જ નહીં પરંતુ તેના લાખો ચાહકો માટે પણ ગર્વની ક્ષણ છે. આ સાથે જ તેમણે રોહિતના શાનદાર પ્રદર્શનની પ્રશંસા કરતા કહ્યું કે વાનખેડે સ્ટેડિયમમાં રમવું એ દરેક ક્રિકેટરનું સ્વપ્ન હોય છે. તમે ત્યાં માત્ર રમ્યા જ નહીં પરંતુ અનેક યાદગાર ઇનિંગ્સ રમીને આ સ્ટેડિયમને ખાસ બનાવ્યું છે.” આમ કહ્યા બાદ હળવાશથી ઉમેર્યું, “હવે જ્યારે તમારા નામ પરથી એક સ્ટેન્ડ છે, તો મને ખબર છે કે મુંબઈમાં ટિકિટની અછત હોય ત્યારે કોનો સંપર્ક કરવો !”
આ સન્માન રોહિતના સમર્પણનું પ્રતીક
જણાવી દઈએ કે 16 મેના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે બઝર દબાવીને ‘રોહિત શર્મા સ્ટેન્ડ’નું અનાવરણ કરવામા આવ્યું. આ ખાસ પ્રસંગે રોહિતના પિતા ગુરુનાથ શર્મા, માતા પૂર્ણિમા શર્મા, ભાઈ વિશાલ શર્મા અને પત્ની રિતિકા સજદેહ પણ હાજર હતા.રોહિતના માતા-પિતા માટે આ ખૂબ જ ભાવનાત્મક ક્ષણ હતી અને બંનેની આંખોમાં ‘આનંદના આંસુ’ જોવા મળ્યા હતા. રોહિતના ચાહકો માટે પણ આ ગર્વની બાબત છે. રોહિત માટે આ સન્માન તેમના સમર્પણનું પ્રતીક છે જેનાથી તેમણે ભારતીય ક્રિકેટને નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યું. જણાવી દઈએ કે રોહિત શર્મા અગાઉ સુનીલ ગાવસ્કર, સચિન તેંડુલકર, દિલીપ વેંગસરકર અને વિજય મર્ચન્ટ જેવા ખેલાડીઓના નામ પર વાનખેડે ખાતે પહેલાથી જ સ્ટેન્ડ છે.


