- બિગબોસ ઓટીટી-2 ફેમ એલ્વિશની મુશ્કેલી વધી
- નોઇડા પોલીસે એલ્વિશને પાઠવ્યુ સમન્સ
- આ કેસમાં 5 લોકોની થઇ છે ધરપકડ
બિગ બોસ ઓટીટી 2’ના વિજેતા અને યુટ્યુબર એલ્વિશ યાદવ આ દિવસોમાં રેવ પાર્ટી અને સાપના ઝેરના સપ્લાયને લગતા મુદ્દાને કારણે ચર્ચામાં છે. ત્યારે એલ્વિશની મુસીબતો વધી શકે છે. નોઈડા પોલીસે આ મામલે યુટ્યુબરને નોટિસ મોકલી છે. કહેવામાં આવી રહ્યું છે કે પૂછપરછ દરમિયાન પોલીસ આ કેસના પાંચ આરોપીઓમાંથી એક રાહુલ સાથે એલ્વિશને પણ રૂબરૂ લાવી શકે છે.
પાંચ આરોપી પૈકી રાહુલે લીધુ એલ્વિશનું નામ
આ કેસમાં નોઇડા પોલીસ આરોપી અને ધરપકડ કરાયેલા રાહુલને જલ્દીથી રિમાન્ડ પર લઇ શકે છે. રાહુલ એ જ વ્યક્તિ છે જેણે દાવો કર્યો હતો કે તે એલ્વિશ યાદવના કહેવા પર સાપ સપ્લાય કરતો હતો. તેના ઘણા ઓડિયો પણ સામે આવ્યા છે. જેમાં રાહુલે એક NGO વર્કર સાથે ફોન પર વાત કરતાં કહ્યું હતું કે તે દિલ્હીમાં એલ્વિશ યાદવની પાર્ટીમાં સાપ મોકલતો હતો.
ત્યારે આ દાવાની સત્યતા ચકાસવા બંનેને સામસામે લાવી શકાય છે. નોઈડા પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 7 નવેમ્બરની સાંજ સુધીમાં 5 ધરપકડ કરાયેલા આરોપીઓના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી શકાશે. આ માટેની તૈયારીઓ પણ ચાલી રહી છે.
શું છે સમગ્ર મામલો?
નોઈડા પોલીસે સેક્ટર 49માં દરોડા પાડીને 9 જીવતા સાપ શોધી કાઢ્યા હતા, જેમાંથી 5 કોબ્રા હતા. આ સાથે પોલીસને સાપનું ઝેર પણ મળી આવ્યું હતું. પોલીસે ઘટનાસ્થળેથી 5 લોકોની ધરપકડ પણ કરી હતી. જેમાંથી રાહુલે પૂછપરછ દરમિયાન એલ્વિશનું નામ લીધું હતું. આવી સ્થિતિમાં, યુટ્યુબર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. એલ્વિશ પર સાપનું ઝેર સપ્લાય કરવાનો અને વિદેશી છોકરીઓને આમંત્રણ આપવાનો આરોપ છે.