- ઉત્તર કોરિયામાં નથી મળતી પ્રાથમિક સુવિધાઓ
- કિમ જોંગના પરમાણુ હથિયાર પરીક્ષણ સ્થળની નજીક ફેલાઈ બિમારી
- ગર્ભમાં જ બાળકોને બનાવે છે રોગનો શિકાર
ઉત્તર કોરિયા એવો દેશ છે જ્યાં સરમુખત્યારશાહી છે, લોકશાહી નથી. લોકોને પ્રાથમિક સુવિધાઓ પણ મળતી નથી. પહેલાથી જ અનેક સંકટનો સામનો કરી રહેલા આ દેશના લોકો હવે એક રહસ્યમય રોગના રૂપમાં વધુ એક મોટા સંકટનો સામનો કરી રહ્યા છે. રિપોર્ટ્સ અનુસાર અહીં હાથ, પગ કે શરીરના અન્ય અંગો વગર બાળકોનો જન્મ થઈ રહ્યો છે. ડેઈલીમેલના એક અહેવાલ મુજબ, ઉત્તર કોરિયાથી ભાગી છૂટવામાં સફળ રહેલા કેટલાક લોકોએ કહ્યું કે દેશના સર્વોચ્ચ નેતા કિમ જોંગ ઉનના પરમાણુ હથિયાર પરીક્ષણ સ્થળની નજીક આ રોગ ફેલાયો છે. આવો જાણીએ શું છે આ સમગ્ર મામલો અને કેટલો ગંભીર છે.
આ વાર્તા 2015માં ઉત્તર કોરિયાથી ભાગી ગયેલા યુંગરાન લીની છે. તેમણે કહ્યું કે પુંગગે-રી પરીક્ષણ સ્થળની આસપાસના વિસ્તારો ખૂબ જ ડરામણી બીમારીનો સામનો કરી રહ્યા છે. આ રોગ લોકોનો જીવ લઈ રહ્યો છે અને ગર્ભમાં જ બાળકોને તેનો શિકાર બનાવે છે. જેના કારણે બાળકો અંગો વગર જન્મી રહ્યા છે. ડોકટરો આ રોગ વિશે કશું જાણતા નથી. લીએ કહ્યું કે કિલ્જુ કાઉન્ટીના નાગરિકો બીમારીઓથી પીડિત છે અને તેનું કારણ કોઈને ખબર નથી. અહીં હોસ્પિટલોમાં ડૉક્ટરો રોગોનું નિદાન કરી શકતા નથી. આ સિવાય લગભગ દરેક બીજા ઘરમાં કોઈને કોઈ વ્યક્તિ કેન્સરથી પીડિત છે.
કોઈ દવા નથી અને ડોકટરોને કંઈ ખબર નથી
લી સમજાવે છે કે ન્યુક્લિયર ટેસ્ટિંગ ઝોનની નજીક રહેવાના ઘણા ગેરફાયદા છે. જ્યારે આર્મી ત્યાં શસ્ત્રોનું પરીક્ષણ કરતી હતી, ત્યારે તેના ઘરની દિવાલો અને ફર્નિચર ધ્રૂજવા લાગતું હતું, જાણે ભૂકંપ આવ્યો હોય. તેનો દીકરો પણ આ રહસ્યમય રોગનો શિકાર બન્યો અને તેનું મોત નીપજ્યું છે. તેમણે કહ્યું કે ઉત્તર કોરિયામાં સરકારી અધિકારીઓ સંયુક્ત રાષ્ટ્ર તરફથી આવતી દવાઓ પોતાની પાસે રાખે છે. મફત આરોગ્યસંભાળના વચનો છતાં અહીંની ફાર્મસીઓમાં દવાઓ ખાલી છે. તેમનો દીકરો 27 વર્ષની ઉંમરે બીમાર પડ્યો. પછી તેને દવાઓ માટે કાળાબજાર તરફ વળવું પડ્યું.
શું આ રોગોનું કારણ રેડિયેશન છે?
જ્યારે ચીનથી દાણચોરી કરીને લાવવામાં આવેલી આ દવાઓથી રાહત ન મળી તો તેણે પોતાના પુત્રને હોસ્પિટલમાં દાખલ કર્યો. લી કહે છે કે એક ડૉક્ટરે મને કહ્યું કે મારા પુત્રના ફેફસામાં કાણાં છે. તેમણે એમ પણ કહ્યું હતું કે તેમને ખબર નથી કે આટલી મોટી સંખ્યામાં સગીર દર્દીઓ હોસ્પિટલમાં કેમ પહોંચી રહ્યા છે. આખરે તેમના પુત્રએ જીવ ગુમાવ્યો. આટલું જ નહીં લીના 7 નજીકના મિત્રો હતા. વર્ષ 2012માં તેઓને ટીબી હોવાનું નિદાન થયું હતું અને તમામ આઠ 4 વર્ષની અંદર મૃત્યુ પામ્યા હતા. આ બધી ઘટનાઓ પછી તેણે ઉત્તર કોરિયા છોડીને મુક્ત સમાજમાં રહેવાનું નક્કી કર્યું. નિષ્ણાતો માને છે કે આ વિચિત્ર રોગોનું કારણ રેડિયેશન છે.


