- તાનાશાહ કિમ જોંગ વિચિત્ર નિવેદનો માટે જાણીતા
- ઉત્તર કોરિયાએ તાજેતરમાં હાઈપરસોનિક મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું
- કિમ જોંગ ઉન મિસાઈલ પરીક્ષણ સૈન્ય વધારવામાં વ્યસ્ત
ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ પોતાના વિચિત્ર નિવેદનો માટે ખૂબ જાણીતા છે. કિમ ક્યારે શું બોલી નાખે, કિમ શું કહેશે એનું અનુમાન લગાવવું ખૂબ અઘરું છે. કિમ જોંગ ઉન પોતાની મિસાઈલોના પરીક્ષણને લઈ ઘણીવાર ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ ઉત્તર કોરિયાએ હાઈપરસોનિક મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું. કિમ સતત પોતાની સૈન્ય શક્તિ વધારે છે. પરંતુ હવે કિમ જોંગે એવું નિવેદન આપ્યું છે જેના લીધે દુનિયાના તમામ દેશોનું ટેન્શન વધી ગયું છે.
દક્ષિણ કોરિયા અમારો સૌથી મોટો દુશ્મન છે
વાસ્તવમાં ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન પોતાના પાડોશી દક્ષિણ કોરિયાને પોતાનો સૌથી મોટો દુશ્મન માને છે. એવું માનવામાં આવે છે કે ઉત્તર કોરિયાની સૈન્ય તૈયારીઓના કેન્દ્રમાં દક્ષિણ કોરિયા છે અથવા એમ પણ કહી શકાય કે કિમ દક્ષિણ કોરિયાનો સામનો કરવા માટે પોતાના શસ્ત્રોના શસ્ત્રાગારમાં વધારો કરી રહ્યો છે.
યુદ્ધ માટે તૈયાર રહેવું જોઈએ
મળતી માહિતી અનુસાર, ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન બુધવારે દેશની મુખ્ય સૈન્ય યુનિવર્સિટીનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન કિમ જોંગ ઉને કહ્યું કે દેશભરમાં બધુ બરાબર નથી અને તેનો અર્થ એ છે કે હવે આપણે પહેલા કરતા વધુ યુદ્ધ માટે તૈયાર રહેવું પડશે. મુખ્ય સૈન્ય યુનિવર્સિટીનું નિરીક્ષણ કરતી વખતે કિમ જોંગ ઉને કહ્યું કે તેમના દેશની આસપાસની અસ્થિર ભૌગોલિક રાજકીય પરિસ્થિતિઓનો અર્થ એ છે કે હવે યુદ્ધનો સમય છે અને તેના માટે તૈયાર રહેવું પડશે.
પરમાણુ શસ્ત્રોનો ભંડાર
અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે ઉત્તર કોરિયા તેની પરમાણુ ક્ષમતામાં સતત વધારો કરી રહ્યું છે અને તેની પાસે પરમાણુ હથિયારોના શસ્ત્રાગારમાં 30 થી 40 શસ્ત્રો હશે. ઉત્તર કોરિયા વર્ષ-2003માં પરમાણુ અપ્રસાર સંધિમાંથી ખસી ગયું હતું અને ત્યાર બાદ તેણે 2006થી 2017 વચ્ચે છ વખત પરમાણુ શસ્ત્રોનું પરીક્ષણ કર્યું છે.


