- 21જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
- નોર્વેની રાજદૂતે પીએમ મોદીની કરી પ્રશંસા
- કહ્યું યોગ એ ભારતે વિશ્વને આપેલી મોટી ભેટ છે
21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. જેના હવે 10 દિવસ જ બાકી છે. યોગ એ સ્વસ્થ જીવનનો પ્રમુખ આધાર છે. વર્ષ 2015માં પીએમ મોદીએ યોગને એક મિશન બનાવી દીધુ. પીએમ મોદીના પ્રયાસોને કારણે જ 21 જૂને યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે. ત્યારે આ પ્રયાસે નોર્વેના રાજદૂતને પણ યોગ કરવા માટે પ્રેરિત કર્યા છે. તેમણે એક પોસ્ટ શેર કરીને આ માહિતી આપી હતી.
ભારતની કરી પ્રશંસા
નોર્વેના રાજદૂત મે એલિન સ્ટેઈનરે ભારતના વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે ભારતે વિશ્વને આપેલી સૌથી મોટી ભેટ યોગ છે. આ સાથે જ તેમણે પોતે યોગ કરતા હોય તેવા વીડિયો અને ફોટા પણ શેર કર્યા છે. તેણે પીએમ મોદીએ કરેલા ટ્વિટના જવાબમાં આ ફોટા અને વીડિયો શેર કર્યા છે.
પીએમ મોદીની પોસ્ટ
મહત્વનું છે કે પીએમ મોદીએ હાલમાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કર્યું હતું કે વિશ્વ હવેથી 10 દિવસ પછી 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવા માટે તૈયાર છે. યોગે સાંસ્કૃતિક અને ભૌગોલિક સીમાઓને ઓળંગી છે, સમગ્ર કલ્યાણની શોધમાં દુનિયા ભરના લાખો લોકોને એકજૂથ કર્યા છે. મહત્વનું છે કે પીએમ મોદીએ મંગળવારે લોકોને યોગને તેમના જીવનનો અભિન્ન હિસ્સો બનાવવાની તેમની પ્રતિબદ્ધતાનું પુનરાવર્તન કરવા હાકલ કરી હતી. તેમણે X પર વિવિધ આસનોના વીડિયો પણ શેર કર્યા હતા જેમાં યોગના ફાયદા સમજાવવામાં આવ્યા છે.
રાજદૂતે આ જવાબ આપ્યો
રાજદૂત સ્ટેનરે પીએમની આ પોસ્ટનો જવાબ આપતાં કહ્યું કે હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સંપૂર્ણ રીતે સંમત છું. યોગ એ વિશ્વને ભારતની સૌથી મોટી ભેટોમાંની એક છે. જ્યારે યુનાઈટેડ નેશન્સે યોગને પ્રોત્સાહન આપ્યું ત્યારે મેં શીર્ષાસન કરવાનું લક્ષ્ય નક્કી કર્યું. શું તમે મારી સાથે છો? આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આવી રહ્યો છે તો ચાલો યોગ ચેલેન્જ કરીએ!’


