- આ જીત કોઈ એકની નહીં પણ સંગઠનનો વિજય : પીએમ
- વડાપ્રધાને પોતાની જાતને પક્ષનો એક નાનકડો કાર્યકર ગણાવ્યો હતો
- વડાપ્રધાને જણાવ્યું નામ સાથે તમામ વિશેષણ જોડવાના કારણે લોકો સાથેનું અંતર વધે છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સંસદીય દળની બેઠકમાં પક્ષના અગ્રણી કાર્યકરો અને નેતાઓને આગ્રહપૂર્વક શિખામણ આપી હતી કે તેઓ પોતાને મોદીજી અથવા આદરણીય મોદીજી જેવા શબ્દોથી સંબોધન ના કરે. તેમણે જણાવ્યું હતું કે નામ સાથે તમામ વિશેષણ જોડવાના કારણે લોકો સાથેનું અંતર વધે છે. વડાપ્રધાને પોતાની જાતને પક્ષનો એક નાનકડો કાર્યકર ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે હું પણ પક્ષનો એક નાનકડો કાર્યકર છું, મને લોકો પોતાના પરિવારનો એક હિસ્સો માને છે. મને લોકો તેમાનો જ એક વ્યક્તિ ગણે છે અને મોદી તરીકે જ ઓળખે છે.
નોંધનીય છે કે સંસદીય દળની બેઠકમાં તમામ સાંસદોએ સ્વાગત હે ભાઈ સ્વાગત હે, મોદીજી કા સ્વાગત હે ના નારા લગાવ્યા હતાં. બેઠકમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ માળા પહેરાવીને વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું તે પછી વડાપ્રધાને પોતાના સાથીઓને ઉપરોક્ત સલાહ આપી હતી.
વડાપ્રધાને લોકસભાની ચૂંટણી માટે સાંસદોને મોટિવેટ કર્યા
આ બેઠકમાં વડાપ્રધાને એક રસપ્રદ આંકડો રજૂ કર્યો હતો અને કહ્યું હતું કે જે રાજ્યોમાં ભાજપ ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે ચૂંટણી જંગમાં ઊતર્યું છે ત્યાં 57 ટકા કિસ્સામાં પક્ષને વિજય હાંસલ થયો છે. એટલે કે 57 ટકા કિસ્સામાં પક્ષ પોતાની સત્તા બચાવવામાં સફળ રહ્યો છે. જ્યારે કોંગ્રેસના માટે આ આંકડો 20 ટકા થઈ જાય છે અને પ્રાદેશિક પક્ષો માટે આ સંભાવના 49 ટકા થાય છે. આ સાથે વડાપ્રધાને 2024ની લોકસભાની ચૂંટણી માટે પણ કાર્યકરોને મોટિવેટ કરવાનો પ્રયાસ કર્યો હતો.
આ જીત કોઈ એકની નહીં પણ સંગઠનનો વિજય : પીએમ
દળની બેઠકમાં પીએમએ ત્રણ રાજ્યોમાં ભવ્ય વિજય માટે અભિનંદન આપતાં કહ્યું હતું કે તે પક્ષના કાર્યકરો દ્વારા કરવામાં આવેલી મહેનતનું પરિણામ હતું અને ઉમેર્યું હતું કે આ જીત કોઈ એક વ્યક્તિની નહીં પણ સંગઠનનો વિજય છે. તેમણે જણાવ્યું હતું કે 22 ડિસેમ્બરથી 25 જાન્યુઆરી સુધી ચાલનારી વિકાસ ભારત સંકલ્પ યાત્રામાં તમામ સાંસદોએ હિસ્સો લેવાનો છે.


