ગુજરાતમાં ઈન્ડિગોની ફ્લાઈટ કામગીરીમાં સર્જાયેલી અરાજકતા આજે પણ યથાવત રહી હતી. રાજકોટ એરપોર્ટ પરથી ઉડાન ભરતી ઈન્ડિગોની કુલ 8 ફ્લાઈટ રદ કરવામાં આવી છે, જેના કારણે સેંકડો મુસાફરો અટવાઈ પડ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈન્ડિગોની આ ફ્લાઈટ રદ થવાનો સિલસિલો સતત ત્રીજા દિવસે પણ ચાલુ રહ્યો છે. ગઈકાલે પણ ફ્લાઈટ રદ થતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, અને આજે ફરી 8 ફ્લાઈટ રદ થતા મુસાફરોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો.
હાશકારો નહીં, હાલાકી
મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ, બેંગલુરુ અને ગોવા સહિતના મુખ્ય રૂટની ફ્લાઇટ રદ્દ થવાના કારણે મુસાફરોને છેલ્લી ઘડીએ પોતાની યાત્રા માટે ટ્રેન કે બસ જેવી વૈકલ્પિક વ્યવસ્થા કરવાની ફરજ પડી હતી. એરલાઇન દ્વારા ક્રૂની અછત, ટેક્નોલોજીકલ સમસ્યાઓ અને નવા ‘ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટેશન’ (FDTL) નિયમોનું સંયોજન આ વિક્ષેપનું કારણ હોવાનું જણાવાયું છે. જોકે, મુસાફરોની મુખ્ય ફરિયાદ એ છે કે તેમને છેલ્લી ઘડીએ જાણ કરવામાં આવે છે, જેના કારણે તેમની મુશ્કેલીમાં વધારો થાય છે. પ્રવાસીઓએ એરપોર્ટ પર સૂત્રોચ્ચાર કરીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો અને વહેલી તકે ફ્લાઇટનું નિયમિત સંચાલન શરૂ થાય તેવી માંગ કરી હતી.
આ પણ વાંચો : Ahmedabad ના સેન્ટરમાં જવું વધુ આસાન બનશે, ગીતામંદિર સુધી પહોંચશે Metro, DPR પર કામ શરૂ


