- PM મોદીથી ભારતની સાથે પાકિસ્તાનને થશે ફાયદો!
- પાકિસ્તાની અમેરિકન બિઝનેસમેને ભારતના PMના કર્યા વખાણ
- પાકિસ્તાનના લોકો બંને દેશો વચ્ચેના સંબંધોમાં સુધારાની અપેક્ષા રાખે: તરાર
લોકસભા ચૂંટણીમાં NDAને બહુમતી મળ્યા બાદ નરેન્દ્ર મોદી ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. શપથ ગ્રહણ સમારોહ 9મી જૂન એટલે કે આવતીકાલે સાંજે યોજાશે જેમાં PM મોદીની સાથે મંત્રીઓ પણ શપથ લેશે. એક પાકિસ્તાની અમેરિકન બિઝનેસમેન નરેન્દ્ર મોદી ફરી એકવાર ભારતના વડાપ્રધાન તરીકે ચૂંટાયાથી ખૂબ જ ખુશ છે. હાલમાં જ નિવેદનમાં તેમણે ભારતના નવા ચૂંટાયેલા PM નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે.
ભારતમાં નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા વિશે તો બધા વાકેફ હશે પરંતુ હવે એક પાકિસ્તાની-અમેરિકન ઉદ્યોગપતિએ કહ્યું છે કે નરેન્દ્ર મોદીનું ફરી એકવાર વડાપ્રધાન બનવું એ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર દક્ષિણ એશિયા ક્ષેત્રમાં સ્થિરતાની ગેરંટી છે. ઉદ્યોગપતિ સાજિદ તરારે મોદીના નેતૃત્વની પ્રશંસા કરી અને ભારતની સ્થિરતા જાળવવામાં અને સંભવિત અસ્થિરતાને રોકવામાં તેની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો છે.
પાકિસ્તાન અને ભારત વચ્ચે સારા સંબંધોની આશા
અહેવાલ અનુસાર, તરારએ કહ્યું હતું કે ભારતની ભાવિ સ્થિરતા માટે મોદીનું નેતૃત્વ જરૂરી છે. રાજકીય ઉથલપાથલ અટકાવવા અને દેશના બંધારણને જાળવી રાખવા માટે તેઓ મજબૂત નેતા છે. તેમણે વધુમાં કહ્યું હતું કે મોદીનું નેતૃત્વ ભારતની સ્થિરતા અને ભવિષ્યની સંભાવનાઓની ગેરંટી છે. મોદી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ તરારે કહ્યું હતું કે પાકિસ્તાનના લોકો બંને દેશો વચ્ચેના સંબંધોમાં સુધારાની અપેક્ષા રાખે છે.
મોદી પાકિસ્તાન માટે પણ સારા
તેમણે પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ તરફથી અભિનંદન સંદેશ ન મળવા પર નિરાશા વ્યક્ત કરી હતી અને આશા વ્યક્ત કરી હતી કે શરીફ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. મોદી પરના આરોપોને રાજનીતિથી પ્રેરિત ગણાવતા તરારે કહ્યું હતું કે મોદી માત્ર ભારત માટે જ નહીં પરંતુ પાકિસ્તાન માટે પણ ફાયદાકારક છે. તેમણે મોદીના સતત નેતૃત્વમાં બંને દેશો વચ્ચે વેપાર વધવાની અને સારા સંબંધોની શક્યતા વ્યક્ત કરી હતી.
પાકિસ્તાને ચીનનું પ્રતિનિધિ ન બનવું જોઈએ
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે જેમાં રાજકીય અસ્થિરતા અને આર્થિક સંકટ સામેલ છે. તરારે કહ્યું હતું કે જો આપણે ભારત સાથે સંબંધો સુધારવા માંગતા હોય તો આપણે ચીનના પ્રતિનિધિ બનવાથી દૂર રહેવું પડશે. તેમણે નવી દિલ્હી સાથેના સંબંધોને મજબૂત કરવા અને આંતરિક મુદ્દાઓને અસરકારક રીતે ઉકેલવા માટે પાકિસ્તાનમાં મજબૂત નેતૃત્વની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચેના મુદ્દાઓને ઉકેલવા અને વેપાર વધારવા માટે કહ્યું હતું.


