સ્વસ્થ રહેવા માટે દરેક વ્યક્તિને મોર્નિંગ વોક કરવાનું પસંદ હોય છે. સવારની તાજી હવા તમારા મનને શાંત કરે છે અને તમારા શરીરને શક્તિ આપે છે. તેમાં પણ શિયાળાની ઋતુમાં મોર્નિંગ વોક કરવાનું ફિટનેસ ફ્રિક લોકોને આનંદ આવે છે. પરંતુ શિયાળા દરમિયાન કરવામાં આવેલી કેટલીક ભૂલો તમારા આરોગ્યને નુકસાન પહોંચાડી શકે છે. આને અવગણી શકાય નહીં. આજે આપણે જાણીએ કે શિયાળામાં તમારે મોર્નિંગ વોક દરમિયાન કઈ ભૂલો ન કરવી જોઈએ?
ગરમ કપડાંનો ઉપયોગ કરવો જોઈએ
મોર્નિંગ વોક કરતા શરીરમાંથી ઉર્જા ઉત્પન્ન થાય છે જેને લીધે પરસેવો આવે છે. આ કારણે ઘણા લોકો શિયાળામાં મોર્નિંગ વોક જતી વખતે બહુ ઓછા કપડાં પહેરે છે અથવા તો પાતળી ટી-શર્ટ પહેરીને જ બહાર જાય છે. સ્વાભાવિક છે કે વોક દરમિયાન તમને ગરમી લાગતી હોય, પરંતુ તેમ છતાં તમારે ગરમ કપડાંનો ઉપયોગ કરવો જોઈએ. માથે મફલર કે વુલન ટોપી પહેરવી જોઈએ. નાક ક્યાં ઢંકાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. શિયાળામાં જોરદાર પવન તમને નુકસાન પહોંચાડી શકે છે. આ કારણે તમને શરદી થવાનું જોખમ રહે છે અને આ હવા તમારા ફેફસાંને પણ નુકસાન પહોંચાડે છે.
હંમેશા વોક પહેલા હાઇડ્રેટ રહો
ઉનાળો તો ઠીક શિયાળામાં પણ મોર્નિંગ વોક વખતે શરીરને હાઇડ્રેટેડ રાખવું ખૂબ જ અનિવાર્ય બની જાય છે. ઘણા લોકો શિયાળામાં પાણી ઓછું પીવે છે, જે તેમના શરીરને નુકસાન પહોંચાડે છે. સ્વાભાવિક છે કે શિયાળામાં ઠંડા વાતાવરણને કારણે તરસ ઓછી લાગે છે. પરંતુ ધ્યાનમાં રાખો કે તમારે મોર્નિંગ વોક માટે જતા પહેલા પાણી પીવું જોઈએ. આ માટે તમારે સવારે ઉઠતાની સાથે જ 1 ગ્લાસ પાણી પીવું જોઈએ અથવા તો સ્વાસ્થ્ય વર્ધક સિઝનેબલ શાકભાજીનો રસ લઈ શકો છો. હાઇડ્રેટેડ રહેવાથી બોડીમાં એનર્જી લેવલ વધે છે.
માસ્કનો ઉપયોગ જરૂર કરવો જોઈએ
શિયાળાની ઋતુ વહેલી પરોઢે જો તમે ધુમ્મસમાં મોર્નિંગ વોક કરવા જઈ રહ્યા છો તો સાવધ રહેજો. વધુ ઠંડા પવનો તમારા નાકમાંથી પાણી લાવી શકે છે. જેને કારણે તમને બહારના બૅક્ટરીયા કે વાયરલ ઇન્ફેકશનનો ચેપ લાગી શકે છે. એટલા માટે બની શકે તો માસ્ક પહેરીને બહાર જાવ. માસ્ક તમને ચેપ લગવાનું જોખમ ઘટાડે છે. આ સાથે જો બહાર ઘણું ધુમ્મસ કે ઠંડો પવન વધુ છે, તો આવી પરિસ્થિતિમાં તમે મોર્નિંગ વોકનો સમય પણ બદલી શકો છો. શિયાળામાં પણ ઉનાળાની જેમ વહેલી સવારે નિશ્ચિત સમયે જ બહાર ફરવા જવું તે યોગ્ય નથી.
આ સિવાય નાના બાળકોને સાથે ન્ લઈ જવા જોઈએ, નિશ્ચિત સમયથી વધુ વોક ન્ કરવું જોઈએ, હળવી કસરત કરવી જોઈએ. ઉપરાંત જેમને બ્લડ પ્રેશર, હૃદય રોગની સમસ્યા હોય તેમણે આવી ઠંડીમાં બહાર નીકળતા પહેલા ખૂબ ધ્યાન રાખવું જોઈએ. સવારના પહોરે લોહીનું પરિભ્રમણ ઓછું હોવાથી હાર્ટ સ્ટ્રોક આવવાની સંભાવના વધી જાય છે.