- મનને કેળવવામાં આપણે એકાગ્રતા કેળવવાને બહુ મહત્ત્વ ન આપવું જોઈએ
કોઈ વિષય ઉપર આપવામાં આવતું ધ્યાન અને કોઈ પણ વિષય વગર આપવામાં આવતા ધ્યાન વચ્ચે તફાવત છે. આપણે કોઈ વિચાર, કોઈ માન્યતા કે કોઈ વિષય ઉપર એકાગ્ર થઈ શકીએ – આ એક વિશિષ્ટ પ્રક્રિયા છે; અને એક એવું પણ અવધાન (ધ્યાન આપવા કરાતી ક્રિયા નહીં) છે, એક એવી સભાનતા છે કે જે વિશિષ્ટ નથી.
એ જ રીતે, કોઈ એવો અસંતોષ છે કે જેમાં કોઈ હેતુ નથી, જે હતાશામાંથી નથી ઉદ્ભવ્યો, કે જેને મરજી મુજબ વાળી શકાય નહીં, કે જે કોઈ બાબતનું પાલન કરવાની વાતનો સ્વીકાર ન હોઈ શકે. કદાચ હું તેના માટે યોગ્ય શબ્દ ન વાપરતો હોઉં, પરંતુ મને લાગે છે કે તે અસાધારણ અસંતોષ હોવો જરૂરી છે. તેના વગર, અસંતોષનું બીજું કોઈ પણ સ્વરૂપ કેવળ સંતોષ પામવાનો રસ્તો બની જાય છે.
અવધાન અમર્યાદિત અને અસીમ છે
મનને કેળવવામાં આપણે એકાગ્રતા કેળવવાને બહુ મહત્ત્વ ન આપવું જોઈએ, પરંતુ ધ્યાનને મહત્ત્વ આપવું જોઈએ, અવધાનને મહત્ત્વ આપવું જોઈએ. એકાગ્રતા એ મનને એક મુદ્દા ઉપર પરાણે કેન્દ્રિત કરવાની પ્રક્રિયા છે, જ્યારે ધ્યાન કોઈ મર્યાદા કે સીમા વગરનું છે. એકાગ્રતા કેળવવાની પ્રક્રિયામાં હંમેશાં કોઈ સીમારેખા મર્યાદિત થયેલી હોય છે, પરંતુ જ્યારે આપણો હેતુ મનની સમગ્રતાને સમજવાનો છે. માત્ર એકાગ્રતા અડચણ બની જાય છે. ધ્યાન જ્ઞાનની સરહદો વગરનું છે, ધ્યાન અસીમ છે. જ્ઞાન એકાગ્રતાથી મળે છે અને જ્ઞાનમાં કોઈ પણ જાતનો વધારો તેની સીમામાં રહીને જ થતો હોય છે. એકાગ્રતાની અવસ્થામાં મન જ્ઞાનનો ઉપયોગ કરી શકે અને કરે છે, તેમાં જરૂરિયાત એકાગ્રતાનું પરિણામ છે, પરંતુ અંશ ક્યારેય સંપૂર્ણ ન હોઈ શકે અને એવા ઘણા અંશો ભેગા કરવાથી પણ સમગ્રતાની સમજણ મળતી નથી. જ્ઞાન, એ એકાગ્રતાનો સરવાળો કરવા જેવી પ્રક્રિયા છે તે અપરિમેયની, અમાપની સમજણ આપતી નથી. જે સંપૂર્ણ છે તે એકાગ્ર થયેલા મનના કૌંસની અંદર (મર્યાદામાં) ક્યારેય ન રહે.
ધ્યાન આપવું, અવધાન દાખવવું એ મૂળ મહત્ત્વની બાબત છે, પરંતુ તે એકાગ્ર થવાનો પ્રયત્ન કરવાથી નથી થતું. અવધાન એક એવી અવસ્થા છે કે જેમાં મન હંમેશાં શીખતું રહે છે. તેથી તેમાં જ્ઞાન તરીકે સંગ્રહ કરેલા અનુભવ જેવાં કોઈ કેન્દ્ર નથી હોતાં. એવું મન કે જે પોતાની ઉપર જ એકાગ્ર થયેલું હોય, તે પોતાના વિસ્તાર માટેના એક સાધન તરીકે જ્ઞાનનો ઉપયોગ કરે છે; અને આવી પ્રવૃત્તિ પોતાનો જ વિરોધ કરતી હોય તેવી અને સમાજ વિરુદ્ધની પ્રવૃત્તિ બની જતી હોય છે.