- બ્રિજની નીચેના સર્વિસ રોડ પર RCCના રોડ બનાવવા ભલામણ
- ત્રણ વ્હાઈટ ટોપિંગ રોડ માટે રૂ. 180 કરોડના ટેન્ડર જારી
- ભૈરવનાથ રોડ પહોળો કરતાં પહેલાં રોડ પરના દબાણો દૂર કરવા સૂચના
શહેરના ઉત્તર-પશ્ચિમ ઝોનમાં આવેલા સાયન્સ સિટી રોડ ડેવલપ કરવાની કામગીરી મંથરગતિએ ચાલી રહી હોવાને પગલે વિવાદ સર્જાયો છે.
સાયન્સ સિટી રોડની કામગીરી ઝડપથી પૂરી કરવા માટે બે- ત્રણ વાર તાકીદ કરવામાં આવી હોવા છતાં ઠાગા ઠૈયા કરી રહેલા કોન્ટ્રાક્ટર સામે બ્લેક લિસ્ટ કરવા સહિતના પગલાં લેવા માટે રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં ભલામણ કરવામાં આવી છે. શહેરમાં આગામી દિવસોમાં નવા 24 વ્હાઈટ ટોપિંગ રોડ બનાવવાની હિલચાલ હાથ ધરવામાં આવી છે અને આ હેતુસર રૂ. 180 કરોડના ટેન્ડર પ્રોસેસની કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં 96 જેટલા વ્હાઈટ ટોપિંગ રોડ બનાવવામાં આવશે. 132 ફુટના રોડ પરના બ્રિજની નીચે સર્વિસ રોડ પર વરસાદી પાણી ભરાવાને કારણે ભારે હાલાકી સર્જાતી હોવાથી આ સમસ્યાના કાયમી ઉકેલ માટે RCCના સર્વિસ રોડ બનાવવા સૂચના આપવામાં આવી છે. ભૈરવનાથ રોડ પહોળો કરતાં પહેલાં રોડ પરના દબાણો દૂર કરવા સૂચના અપાઈ છે. શહેરના ઉત્તર- પશ્ચિમ ઝોનમાં સાયન્સ સિટી રોડ ડેવલપ કરવાની કામગીરી ઘણાં સમયથી ટલ્લે ચડી છે અને આ રોડની કામગીરી ઝડપથી પૂરી કરવા માટે બે-ત્રણ વાર આપવામાં આવેલી સૂચનાને ઘોળીને પી ગયેલા અને મનમાની કરી રહેલા કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવા તાકીદ કરવામાં આવી છે. સાયન્સ સિટી રોડના કામમાં બિનજરૂરી વિલંબ થઈ રહ્યો હોવા મામલે તાકીદ કરવા છતાં AMCને નહીં ગાંઠતા કોન્ટ્રાક્ટર સામે બ્લેક લિસ્ટ કરવા સહિતના પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. રોડ એન્ડ બિલ્ડીંગ કમિટિના ચેરમેને જણાવ્યું હતું કે, શહેરમાં 96 જેટલા વ્હાઇટ ટોપીંગ રોડની સમિક્ષા કરાઇ હતી. મ્યુનિ. દ્વારા રૂ. 60 – રૂ. 60 કરોડના 3 જેટલા ટેન્ડર બહાર પડયા છે.હાલ 7 જેટલા વ્હાઇટ ટોપીંગ રોડ બની ગયા છે. જ્યારે આગામી એક સપ્તાહમાં જ બે જેટલા વ્હાઇટ ટોંપીંગ રોડ માટે ખાતમૂર્હત કરાશે.


