- મ્યુનિ. ટેક્સ વિભાગની વ્યવસાયવેરો વસૂલવા ઝુંબેશ હાથ ધરાઈ
- 3 દિવસમાં 400થી વધુ નોટિસ ફ્ટકારીને રૂ.50 લાખની વસુલાત
- આગામી દિવસોમાં વ્યવસાયવેરા વસુલાતની ઝુંબેશ વધુ સઘન બનાવવામાં આવશે
AMCના પ્રોપર્ટી ટેક્સ વિભાગ દ્વારા વ્યવસાયવેરો વસૂલ કરવા માટે ઝૂંબેશ હાથ ધરવામાં આવી રહી છે. છેલ્લા 3 દિવસમાં 400થી વધુ નોટિસ ફ્ટકારીને રૂ.50 લાખની વસુલાત કરવામાં આવી છે. શહેરમાં સ્કૂલો, હોટલો, હોસ્પિટલો જેવા વિવિધ પ્રકારનાં સંખ્યાબંધ વ્યવસાયીઓ પ્રોફેશનલ ટેક્સ ભરતા જ ન હોવાની બાબત મ્યુનિ. સત્તાવાળઓના આવતાં વ્યવસાયવેરો વસૂલવા સઘન ઝૂંબેશ હાથ ધરાઈ છે. છસ્ટેક્સ વિભાગ દ્વારા ઝોન દીઠ ચાર ટીમ લેખે 28 ટીમોની રચના કરી વાહનોનાં ડિલરો, પેટ્રોલપંપ, હોટલ-રેસ્ટોરન્ટ, હોસ્પિટલ, સ્કૂલ-કોલેજ, મોલ-મલ્ટીપ્લેક્સ અને નાનામોટા ઔદ્યોગિક એકમોમાં ચેકિંગ કરવાનુ શરૂ કરાયુ છે. તપાસ દરમિયાન જે એકમે વ્યવસાયવેરો જ ન ભર્યો હોય અથવા તો અપૂરતો ભર્યો હોય તેમને નોટિસ આપી સ્થળ ઉપર જ વસુલાત કરવામાં આવી રહ્યું છે. આગામી દિવસોમાં વ્યવસાયવેરા વસુલાતની ઝુંબેશ વધુ સઘન બનાવવામાં આવશે.
શહેરનાં વિવિધ વિસ્તારોમાં ઓફિસો કે અન્ય એકમોમાં પાંચથી વધુ કર્મચારી હોવા છતાં વેપારીઓ વ્યવસાયવેરો ભરતા જ નહોતા. ઉત્તર પશ્ચિમ ઝોનનાં આલ્ફ વન મોલ, એક્રોપોલીસ મોલ, ટીઆરપી મોલ, કલાસાગર મોલ વગેરેમાં શો-રૂમ ધરાવનારાઓને ત્યાં ચેકિંગ કરવામાં આવ્યુ હતું. તદઉપરાંત એસ.જી.હાઇવે આસપાસ અને નવા રીંગરોડ ઉપરની હોટલો-રેસ્ટોરન્ટમાં પણ ચેકિંગ કરવામાં આવ્યુ હતું. ઉત્તર પશ્ચિમ ઝોનમાં આવેલી સ્કૂલોમાં તથા હોસ્પિટલોમાં ચેકિંગ કરીને નોટિસ આપી વ્યવસાયવેરો ભરાવવામાં આવ્યો હતો.


