- કેન્દ્રની સૂચના બાદ રાજ્યનો આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં
- મેડિકલ કોલેજ વગેરેને કોવિડ-19 અન્વયે મોકડ્રીલ યોજવા સૂચના
- બાળકોમાં શ્વસનની બીમારી, ન્યુમોનિયા અને કોરોના વાયરસ 2ના કેસ
ચીનમાં બાળકોમાં શ્વાસ લેવામાં તકલીફ, ભેદી તાવ, ઈન્ફ્લુએન્ઝા, માયકોપ્લાઝમા ન્યુમોનિયા, SARSCOV-COV-2 વાયઇસ સામે આવ્યા છે, આ બાબતને ધ્યાને લઈ ગુજરાત રોગચાળાના ભરડામાં ના લપેટાય તે માટે ઓક્સિજન પ્લાન્ટ સહિતની ચકાસણી સાથે ગુજરાતની તમામ સિવિલ હોસ્પિટલો, મનપાની હોસ્પિટલો વગેરે ખાતે કોવિડ-19 અન્વયે મોકડ્રીલ યોજવા સૂચના અપાઈ છે, કેન્દ્ર સરકારની ગાઈડલાઈનને પગલે રાજ્યના આરોગ્ય વિભાગે આ સંદર્ભે તાકીદ કરી છે. કેન્દ્રની ગાઈડલાઈનને ધ્યાને રાખી રાજ્યના આરોગ્ય વિભાગે તમામ મનપાના આરોગ્ય અધિકારીઓ, જિ.પં.ના મુખ્ય આરોગ્ય અધિકારી, તમામ સિવિલ હોસ્પિટલો અને સંલગ્ન મેડિકલ કોલેજ વગેરેને કોવિડ-19 અન્વયે મોકડ્રીલ યોજવા સૂચના આપી છે.
રાજ્યના આરોગ્ય વિભાગે પત્રમાં જણાવ્યું છે કે, ચીનમાં તાજેતરના અઠવાડિયામાં બાળકોમાં શ્વસનની બીમારી, ન્યુમોનિયા અને કોરોના વાયરસ 2ના કેસ સામે આવ્યા છે, આ બાબતને ધ્યાને રાખી ગુજરાતમાં બીમારી ના ફેલાય તે માટે અગમચેતીના પગલાં હાથ ધરવા કહેવાયું છે, કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ તરફથી રાજ્ય સરકારને આ સંદર્ભે સૂચનાઓ આપવામાં આવી છે. જરૂર પડે તે સ્થિતિમાં દર્દીઓને સમયસર સારવાર પૂરી પાડી શકાય, જે તે હોસ્પિટલોમાં પીએસએ પ્લાન્ટ, લિક્વિડ ઓક્સિજન પ્લાન્ટ, ઓ2 કોન્સનટ્રેટરની એચ.આર., લોજિસ્ટિક, બેડ કેપેસિટી, ટેસ્ટિંગ કેપેસિટી અને ટેલિમેડિસીનની ડ્રિલનું 17મી ડિસેમ્બર સુધી આયોજન કરવા સૂચનાઓ આપવામાં આવી છે. મોકડ્રીલ સહિત વિવિધ લેવાયેલા પગલાંની માહિતી જે તે હોસ્પિટલોએ સરકારના આરોગ્ય વિભાગને મોકલવાની રહેશે. રાજ્યની તમામ સિવિલ હોસ્પિટલો ઉપરાંત તમામ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ તથા સામૂહિક આરોગ્ય કેન્દ્રો સહિત તમામને કોવિડ-19 અન્વયે મોકડ્રીલ યોજવા કહેવાયું છે.


