ખુદ મ્યુ. કમિશનરને શંકા જતા ખાનગી બિલ્ડીંગ પરની હોર્ડિંગ સાઇઝની ચકાસણી માટે કર્યો આદેશ
TP(તોડ-પાણી)એ હોર્ડિંગ્સને પણ છોડ્યા નહીં, ચકાસણી માટે ત્રણ ટીમ બનાવાઇ, સપ્તાહમાં ચકાસણી રિપોર્ટ આપવા કમિશનરનો આદેશ
રાજકોટમાં આમ તો ચારેય બાજુ હોર્ડિંગ્સ બોર્ડનું જંગલ ખડકાઇ ગયુ છે. સંખ્યાબંધ ગેરકાયદેસર હોવાનું પણ કહેવાય છે. અત્યાર સુધી ટીપી શાખાના ભ્રષ્ટ ઓથ હેઠળ ખાનગી બિલ્ડીંગ પર ટેબલ નીચેના વહીવટથી મંજૂરી આપી દેવાતી હતી. વર્ષે લાખો રૂપિયાની મલાઇ ટીપી શાખાને ખાનગી બિલ્ડીંગના હોર્ડિંગ્સ બોર્ડ પરથી મળતી હતી. દરમિયાન મનપાના ઇતિહાસમાં પહેલી વખત ખુદ તંત્ર દ્વારા જ આવા હોર્ડિંગ્સ બોર્ડની ચકાસણી શરૂ કરવામા આવી છે.
રીપોર્ટ મુજબ કુલ ૩૪૩ ખાનગી હોર્ડીંગ રાજકોટમાં ઉભા છે તેમજ ટેન્ડરવાળા ૨૬૧ સહિત કુલ ૬૦૪ હોર્ડીંગ છે, આ તમામની કોર્પોરેશનની ત્રણ ટીમ દ્વારા તપાસ શરૂ કરાઇ છે, એક સપ્તાહમાં ચકાસણી પૂરી કરી મ્યુ. કમિશનરને રીપોર્ટ કરાશે. મુંબઇ ઘટના પછી ચેકીંગ દરમિયાન ૨૧ હોર્ડીંગ સાઇડ મંજુરી વિનાની મળી આવી હતી. તમામની મજબૂતી ચકાસવામાં આવી હતી. જેમાં ૬૦૪ પૈકી ૪૧૦માં સ્ટ્રકચર સ્ટેબિલિટી રજુ કરવા નોટીસ અપાઇ હતી. તમામમાં સામાન્ય સુધારાની જરૂર જણાય હતી. અત્રે ઉલ્લેખની છે કે મુંબઈમાં મહાકાય હોર્ડિંગ બોર્ડ ધરાશાયી થવાની ઘટના બાદ કોર્પોરેશન દ્વારા શહેરભરમાં હોર્ડિંગ બોર્ડની સાઈટ પર ચેકીંગ હાથ ધર્યું હતું.જેમાં મંજૂરી વિના ખડકાયેલા હોર્ડિંગ બોર્ડ અંગે ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું. જેમાં ૩૧ હોર્ડિંગ બોર્ડ એવા મળી આવ્યા હતા કે જેની કોઈ જ પ્રકારની મંજૂરી લેવામાં આવી ન હતી. આ તમામ હટાવી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત શહેરના ૬૦૪ હોર્ડિંગ્સની મજબૂતાઈની ચકાસણી વોર્ડ એન્જિનિયર મારફત કરાવવામાં આવી હતી. જે પૈકી ૪૧૦ બોર્ડ સાઇટ એવી મળી આવી હતી. જેમાં રીપેરીંગ કે સામાન્ય ફેરફારને જરૂરિયાત હોવાનો અભિપ્રાયના આપવામાં આવ્યો હતો. જેના આધારે તમામને નવેસરથી સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ રજૂ કરવા માટે તાકીદ કરવામાં આવી હતી. પ્રથમ વાર એવું બની રહ્યું છે કે હોર્ડિંગ બોર્ડની સાઈટમાં ખાનગી માલિકીની મિલકત પર ખડકાયેલા હોર્ડિંગ બોર્ડની સાઈઝની ચકાસણી કરવામાં આવી રહી છે.
કમિશનરે કહ્યુ હતુ, એજન્સી સામે સીધી FIR થશે
જી.પી.એમ.સી એકટ 1949ની કલમ 244 અનુસાર મહાનગરપાલિકા વિસ્તારમાં તંત્રની પૂર્વ મંજુરી વિના, ખાનગી મિલ્કત પર કે જાહેર સ્થળોએ કોઇપણ આસામી દ્વારા હોર્ડિંગ બોર્ડ ઉભા કરી શકાતા નથી. ફક્ત મહાનગરપાલિકાની પરવાનગી મેળવી અને નિયત લાઇસન્સ ફી ભર્યા બાદ જ કોઈ પણ પ્રકારનું હોર્ડિંગ બોર્ડ ઉભુ કરી શકાય છે. કોઇપણ આસામીએ તંત્રની પુર્વ લેખિત પરવાનગી સિવાય ખાનગી મિલ્કત પર કે જાહેર સ્થળે હોર્ડિંગ બોર્ડ ઉભા કરવા નહિ અને આ પ્રકારે બોર્ડ ઉભા કરવામાં આવ્યે, મિલકત ધારક તથા બોર્ડ ઉભુ કરનાર એજન્સી વિરૂધ્ધ સીધી જ એફ.આઇ.આર દાખલ કરવા મ્યુનિ. કમિશનરે હુકમ કર્યો હતો. ટીઆરપી કાંડ બાદ આવા ૨૧ હોર્ડિંગ બોર્ડ સામે આવ્યા હતા. એ એજન્સી સામે આજની તારીખે પણ એફ.આઇ.આર. દાખલ નથી થઇ. કમિશનર બોલ્યુ પાડશે કે પછી અભી બોલા અભી ફોકની જેમ માત્ર દેખાડો જ કર્યો હતો?
સાગઠિયાના શાસનમાં વહીવટ થતો
નાના મવા ચોકડીથી ગોંડલ રોડ ચોકડી સુધી સુચિતમાં ખડકાયેલા હોર્ડિંગ કૌભાંડ ખુલી શકે છે
ખાનગી બિલ્ડીંગ પર હોર્ડિંગ સાઇટની મંજૂરી આપવા માટે સૌપ્રથમ ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા બાંધકામના સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિ ફરજિયાત છે. સસ્પેન્ડેડ પૂર્વ ટીપીઓ એમ.ડી.સાગઠિયાના કાર્યકાળમાં ખાસ કરીને દોઢસો ફૂટ રિંગરોડ પર નાના મવા ચોકડીથી ગોંડલ રોડ ચોકડી સુધી આવા અનેક સુચિત બાંધકામ પર ખડકાયેલા તોતીંગ હોર્ડિંગ સાઇટમાં ટીપી શાખાએ લીલીઝંડી આપી દીધી હોવાનું કહેવાય છે. ચકાસણી દરમિયાન આ તમામ હોર્ડિંગ કૌભાંડનો પણ ઘટસ્ફોટ થઇ શકે છે.
એડ.એજન્સીને પેનલ્ટી ફટકારાશે : એસ્ટેટ અધિકારી
ટીઆરપીકાંડ બાદ આઉટ ડોર એડ એજન્સીના જે ૨૧ હોર્ડિંગ્સ ગેરકાયદેસર સામે આવ્યા હતા તે એડ એજન્સી સામે શું પગલાં લેવાશે? સવાલોનો ઉતર આપતા એસ્ટેટ ઓફિસર કાથરોટિયાએ જણાવ્યુ હતુ કે, એ તમામ એજન્સીને પેનલ્ટી ફટકારવામા આવશે. આ ઉપરાંત મંજૂરીથી વધુ સાઇઝના હોર્ડિંગ હશે તેની સાઇઝ ઓછી કરવામા નહીં આવે તો એ એજન્સીને કાયમ માટે બ્લેકલિસ્ટમાં મુકવાના પણ પગલાં લેવાશે.
ચકાસણી રિપોર્ટ અને મંજૂરી રિપોર્ટની સાચી હકિકત સામે આવશે?
હાલ તો મ્યુનિ. કમિશનર દેવાંગ દેસાઇની સુચનાથી ખાનગી જગ્યા પરની હોર્ડિંગ સાઇટની ચકાસણી ચાલી રહી છે પણ સાચુ કૌભાંડ ત્યારે સામે આવે કે ચકાસણી રિપોર્ટમાં ‘કેટલા બાય કેટલા’નું હોર્ડિંગ સ્થળ પર છે અને એસ્ટેટ શાખાના ચોપડે એ સ્થળે કેટલી સાઇઝની મંજૂરી છે. અહીં સો મણનો સવાલ એ ઉઠે છે કે, ચકાસણી રિપોર્ટ અને મંજૂરી રિપોર્ટની સાચી હકિકત જાહેર થશે કે ‘ઓલ ઇઝ વેલ’ જાહેર કરી દેવાશે એ જોવાનું રહ્યુ.
ચકાસણીના નામે પણ જાણે નાટક!
એડ એજન્સીને સાથે રાખીને ચકાસણી થઇ રહી છે, શેટિંગનો ભરપૂર અવકાશ
હાલ જે રીતે ચકાસણી થઇ રહી છે તેમા જે તે એડ એજન્સીના મે ટેકનિકલ સ્ટાફ અને સાથે એસ્ટેટ ઇન્સ્પેક્ટરને સાથે રાખવામા આવે છે. કોઇ થર્ડ પાર્ટી એજન્સીને સાથે રાખવાના બદલે ઘરના જ ભૂવા અને ઘરના જ ડાકલા એ રીતે થઇ રહેલી ચકાસણી માત્રને માત્ર નાટક જ હોય તેવુ ચિત્ર ઉપસી રહ્યુ છે.
રાજકીય પાર્ટીઓના એડ. એજન્સી પર ચાર હાથ, ઉગારી લેશે!
શાસક પક્ષ હોય કે વિપક્ષ, પ્રસંગોપાત પ્રસિધ્ધિ માટેના કેમ્પિયનમાં આઉટ ડોર એડ. એજન્સીઓનો જ ઉપયોગ કરે છે. ચકાસણી પૂરી થયા બાદ મંજૂરીથી વધુ સાઇઝના હોર્ડિંગ્સ ખડકાયેલા હશે તે એજન્સીને રાજકીય આકાઓ ઉગારી લે તેવી પણ પૂરી શક્યતા છે. આવુ અગાઉ પણ બન્યુ હતુ. તાઉતે વાવાઝોડા વખતે થયેલા સર્વેનો રિપોર્ટ પણ જાહેર કરવામા આવ્યો ન હતો. માત્રને માત્ર એકાદ-બે હોર્ડિંગ સાઇટની એજન્સી સામે પગલાં લઇને દેખાડો કરવામા આવ્યો હતો.