- ઉત્તરાખંડ સરકારે UCC બિલમાં લિવ-ઈન-રિલેશનશિપ માટે જોગવાઇઓ કરી
- જોગવાઇઓ મુજબ લગ્ન અને લિવ-ઈન-રિલેશનશિપમાં કોઈ ફરક નહિ રહે
- લિવ-ઈન-રિલેશનશિપમાંથી છૂટા થવું પણ લગ્નની જેમ સરળ નહીં હોય
ભારતીય સમાજમાં લિવ-ઈન-રિલેશનશિપનો મુદ્દો હંમેશા આલોચનાનો વિષય રહ્યો છે. ગત વર્ષે શ્રધ્ધા વાલ્કર મર્ડર કેસ બાદ આના પર વધુ ગંભીર સવાલો ઉઠવા લાગ્યા હતા. પરંતુ, ઉત્તરાખંડ સરકારે તેના યુનિફોર્મ સિવિલ કોડ બિલ (UCC) માં લિવ-ઇન રિલેશનશિપમાં જતા લોકો માટે જે નિયમો અને શરતોનો પ્રસ્તાવ મૂક્યો છે તે દરેક યુવકને બે વાર વિચારવા માટે મજબૂર કરશે. શું આ વિધેયકના પ્રસ્તાવને છોકરીઓની સુરક્ષા ગણવો જોઈએ? શું અન્ય રાજ્યોએ પણ આ પ્રકારનું બિલ ન લાવવું જોઈએ?
કારણ કે સવાલ એ ઊભો થાય છે કે જો લિવ-ઈન રિલેશનશિપને સુરક્ષિત બનાવવા માટે લગ્ન જેવા નિયમો અને કાયદામાં બાંધી દેવામાં આવે તો લગ્ન અને લિવ-ઈનમાં શું ફરક રહેશે? તો આપણે શું માની લઈએ કે પારિવારિક મૂલ્યોને સમાજનો આધાર માનતી ભાજપ શાસિત ઉત્તરાખંડ સરકારે જાણી જોઈને તેને અંકુશમાં લેવાનો પ્રયાસ કર્યો છે. પાર્ટી જાણે છે કે લિવ-ઈન પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાને બદલે તેને લગ્નની જેમ સુરક્ષિત રાખવું વધુ સારું છે. હવે ઉત્તરાખંડમાં લગ્ન અને લિવ-ઈન રિલેશનશિપ વચ્ચે કોઈ અંતર નહિ રહે. આ લગભગ લિવ-ઇન રિલેશનશિપ પર પ્રતિબંધ મૂકવા જેવું છે. ચાલો જોઈએ કે આવું કેમ કહેવામાં આવે છે?
કેમ લગ્નો જેવા થઈ જશે લિવ-ઇન રિલેશનશિપ
ઉત્તરાખંડ સરકાર દ્વારા જે યુનિફોર્મ સિવિલ કોડ બિલ રજૂ કર્યું છે તેમાં લગ્ન પછી નોંધણી ફરજિયાત કરી દેવામાં આવી છે. તે જ રીતે લિવ-ઇન રિલેશનશિપમાં પણ રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. મતલબ કે છોકરા-છોકરીઓ માટે લિવ-ઈનનું સૌથી મોટું જે આકર્ષણ છે તેના પાયા પર ફટકો મારવામાં આવ્યો છે. નોંધણી ન કરાવવા માટે કાયદામાં છ મહિનાની જેલની જોગવાઈ છે. 192 પાનાનું UCC બિલ ચાર ભાગમાં વહેંચાયેલું છે. UCC બિલ પર ઉત્તરાખંડ વિધાનસભામાં ચર્ચા થશે. રાજ્યપાલની મંજૂરી બાદ આ બિલ કાયદાનું સ્વરૂપ લેશે.
નવા કાયદામાં લિવ-ઈન રિલેશનશિપથી જન્મેલા બાળકોને પણ અધિકાર આપવામાં આવ્યા છે. બાળક પુરૂષ પાર્ટનરની મિલકતનો હકદાર રહેશે. લિવ-ઇન રિલેશનશિપમાં આવ્યા પછી, સ્ત્રીને તેના પુરુષ પાર્ટનર દ્વારા છેતરવામાં આવી શકે નહીં. મતલબ કે બધું જ લગ્ન જેવું જ થઈ જશે. લગ્નની જેમ જ બાળકો અને ભરણપોષણ માટેના અધિકારો પણ બનાવવામાં આવ્યા છે. નવા કાયદામાં લિવ-ઈન રિલેશનશિપથી જન્મેલા બાળકને કાયદેસર ગણવામાં આવ્યું છે. પુરૂષ પાર્ટનરે બાયોલોજિકલ ફાધરની જેમ બાળકની સારસંભાળની જવાબદારી લેવી પડશે અને મિલકતમાં અધિકાર પણ આપવાનો રહેશે.
છૂટા પડવું પણ લગ્નની જેમ જ સરળ નહીં હોય. લિવ-ઇનમાં હવે તમે જ્યારે ઇચ્છો ત્યારે તમારી સૂટકેસ ઉપાડીને અન્યની સાથે જઇ શકો તેવું થવાનું નથી. સંબંધમાંથી છૂટા થવા માટે, એક સંપૂર્ણ ફોર્મેટ હશે જે ભરવાનું રહેશે. જો રજિસ્ટ્રારને લાગે કે સંબંધ ખતમ કરવાના કારણો યોગ્ય નથી અથવા શંકાસ્પદ છે તો પોલીસ તેની તપાસ પણ કરી શકે છે. મહિલા જીવનસાથી પુરુષ પાસેથી ભરણપોષણની માંગણી કરીને કોર્ટમાં દાવો કરી શકે છે.
મહિલા સ્વતંત્રતા પર થઈ શકે છે ચર્ચા
ભારતમાં લિવ-ઇનમાં રહેતા લોકોનો ચોક્કસ આંકડો શું છે તે હજુ સુધી જાણી શકાયું નથી. કારણ કે, આજે પણ મોટા ભાગના યુગલો પોતાના સમાજમાં પોતાના સંબંધોને છુપાવતા રહે છે. ભારતમાં આજે પણ સમાજ જાતીય નૈતિકતાને ખૂબ જ મહત્વ આપે છે. કદાચ આ જ કારણ છે કે સમાજના મોટાભાગના લોકો તેની વિરુદ્ધ છે. પરંતુ એ વાતને નકારી શકાય નહીં કે લિવ-ઈન રિલેશનશિપ સમાજને એવા સ્થાને લઈ જઈ રહ્યા હતા જ્યાં મહિલાઓ જાતીય નૈતિકતા અને જાતીય શુદ્ધતામાંથી મુક્ત થઈ રહી હતી.
વાસ્તવમાં, વિશ્વભરના સમાજોમાં પુરુષો માટે જાતીય સ્વચ્છંદતા જોવા મળી છે પરંતુ સ્ત્રીઓને જાતીય નૈતિકતાનું પાલન કરવું પડ્યું છે. લિવ-ઇન રિલેશનશિપની સંસ્કૃતિ પશ્ચિમી સમાજોમાં સૌથી વધુ ઝડપથી લોકપ્રિય બની હતી. કદાચ આ જ કારણ હોય શકે કે પશ્ચિમી સમાજોમાં સ્ત્રીઓ માટે ફરજિયાત લૈંગિક શુદ્ધતાની વિભાવના ઝડપથી અદૃશ્ય થઈ ગઈ. આ જ કારણ છે કે યુરોપનું ઓર્થોડોક્સ ચર્ચ પણ લિવ-ઇન રિલેશનશિપ વિશે ક્યારેય કશું કહી શક્યું નથી. ભારતમાં મહિલા સ્વતંત્રતાના સમર્થકો આ જ હકીકત સાથે લિવ-ઇન રિલેશનશિપને સમર્થન આપતા આવ્યા છે.


