- બાંગ્લાદેશનો કેપ્ટન ખેલભાવના ભૂલ્યો
- મેથ્યૂઝને ટાઈમ આઉટ આપવા કરી અપીલ
- સમજો ટાઈમ આઉટનો નિયમ
શ્રીલંકાનનો એન્ઝેલો મેથ્યૂઝ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઇતિહાસમાં ટાઈમ આઉટ થનારો પ્રથમ બેટ્સમેન બન્યો છે. વર્લ્ડકપ 2023ની 38મી મેચ શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં એન્ઝેલો મેથ્યૂઝને સમયસર આગલા બોલનો સામનો ન કરવા બદલ ટાઈમ આઉટ જાહેર કરવામાં આવ્યો હતો. બાંગ્લાદેશ વતી કેપ્ટન શાકિબ અલ હસને ટાઈમ આઉટની અપીલ કરી હતી. તો ચાલો જાણીએ શું હોય છે ટાઈમ આઉટનો નિયમ?
આ છે ટાઈમ આઉટનો નિયમ
ક્રિકેટના નિયમ બનાવનારી સંસ્થા MCC અનુસાર બેટ્સમેન આઉટ અથવા રિટાયર થવા બાદ આગામી બેટ્સમેને 3 મિનિટની અંદર બોલનો સામનો કરવો પડે છે. જો આવું ન થઈ શકે, તો બેટ્સમેનને આઉટ જાહેર કરવામાં આવે છે. વર્લ્ડકપ પહેલાં આમાં સમયમાં ઘટાડો કરવામાં આવ્યો છે. હવે બેટ્સમેને 2 મિનિટમાં બોલનો કરવાનો હોય છે. જો કે, આ વિકેટ બોલરના ખાતામાં જતી નથી.
ટાઈમ આઉટનો નિયમ કેમ ચર્ચામાં આવ્યો?
બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડકપની મેચમાં સદિરા સમરવિક્રમાના આઉટ થયા બાદ મેથ્યૂઝ બેટિંગ કરવા આવ્યો હતો. તેનું હેલ્મેટ યોગ્ય ન હતું અને તેને પહેરવામાં મુશ્કેલી થતી હતી. આવી સ્થિતિમાં તેણે પેવેલિયનમાંથી અન્ય હેમલેટ લાવવા કહ્યું હતું. આ દરમિયાન બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને મેથ્યૂઝને આઉટ આપવાની અપીલ કરી હતી. જેથી અમ્પાયરે મેથ્યૂઝ પાસે જઈને તેને પાછા જવા કહ્યું હતું. મેથ્યૂઝ થોડીવાર અમ્પાયર સાથે દલીલ કરતો રહ્યો અને પછી પેવેલિયન પરત ફર્યો હતો. અમ્પાયરના આ નિર્ણયથી મેથ્યૂઝ સહિત આખી શ્રીલંકન ટીમ ચોંકી ઉઠી હતી. પેવેલિયન પરત ફરવા સમયે મેથ્યૂઝ ગુસ્સામાં હતો. જેના કારણે મેથ્યૂઝે પોતાનું હેલમેટ પણ ફેંકી દીધું હતું.
મેથ્યૂઝ આજીજી કરતો રહ્યો, શાકિબે ખેલભાવના ન દાખવી
ફિલ્ડ અમ્પાયર મેરાઈસ ઈરાસ્મસ આના પર શાકિબને વારંવાર પૂછતા હતા, શું તમે ખરેખર અપીલ કરી રહ્યા છો? બાંગ્લાદેશના કેપ્ટને કહ્યું, હા અમે અપીલ કરી રહ્યા છીએ. જે બાદ ઇરાસ્મસે મેથ્યૂઝને આઉટ આપ્યો હતો. અમ્પાયરે શાકિબને પૂછ્યું કે શું તે રમતની ભાવનાથી અપીલ પાછી ખેંચવા માંગો છો. શાકિબે આ વાતનો ઇનકાર કર્યો હતો.
બાંગ્લાદેશ ટૂર્નામેન્ટમાંથી થયું છે બહાર
ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશ ટૂર્નામેન્ટમાંથી બહાર થનારી પ્રથમ ટીમ બની છે. શાકિબની કપ્તાનીમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામેની પ્રથમ મેચ જીતીને અભિયાનની શરૂઆત કરી હતી. જે બાદ ટીમ સતત 6 મેચ હારી છે. બાંગ્લાદેશ હવે ટૂર્નામેન્ટમાં પોતાની 8મી લીગ મેચ શ્રીલંકા સામે રમી રહ્યું છે.