- ભાડુઆત મિલકતનો કબજો કોઇપણ સંજોગોમાં પોતાની પાસે રાખી શકે નહીં’
- હાઇકોર્ટે કાયદામાં નિર્દિષ્ટ અન્ય વૈકલ્પિક ઉપાય માટે અરજદારને મંજૂરી આપી હતી
- આ મામલે દિવાની રાહે પણ તેમણે કાર્યવાહી કરી છે
મકાનમાલિક અને ભાડુઆત વચ્ચેની તકરારના એક કેસની સુનાવણી દરમ્યાન ગુજરાત હાઇકોર્ટની ખંડપીઠે પોતાનું વલણ સ્પષ્ટ કરતાં ભાડુઆતને જણાવ્યું હતું કે, જો ભાડા કરારની શરતનો ભંગ થયો હોય તો તેવા કિસ્સામાં ભાડુઆત મિલકતનો કબજો પોતાની પાસે રાખી શકે નહી. અને જો ભાડુઆતે તેમ છતાં મિલ્કતનો કબ્જો પોતાની પાસે રાખ્યો હોય તો તે એક પ્રકારે લેન્ડગ્રેબીંગનો ગુનો ગણાય. ખંડપીઠે અરજદાર ભાડુઆતને કોઇપણ પ્રકારની રાહત આપવાનો સાફ્ ઇન્કાર કરી દેતાં ભાડુઆતને પોતાની અરજી પાછી ખેંચી લેવાની ફ્રજ પડી હતી. હાઇકોર્ટે કાયદામાં નિર્દિષ્ટ અન્ય વૈકલ્પિક ઉપાય માટે અરજદારને મંજૂરી આપી હતી.
અરજદાર ભાડુઆત દ્વારા રજૂઆત કરાઇ હતી કે, તેમની અને મકાનમાલિક વચ્ચે મિલકતના ભાડાની બાબતને લઇ તકરાર સર્જાઇ છે. કોવીડના સમયગાળા દરમ્યાન કપરા સમયના કારણે તેઓ ભાડુ ચૂકવી શકયા ન હતા પરંતુ ત્યારબાદ તેઓ ભાડુ ચૂકવવા પણ તૈયાર હતા. આ મામલે દિવાની રાહે પણ તેમણે કાર્યવાહી કરી છે. જેથી ચીફ્ જસ્ટિસે અરજદાર ભાડુઆતને સીધો સવાલ કર્યો હતો કે, જો ભાડા કરાર(રેન્ટ ડીડ)ની શરતોનો ભંગ થયો હોય તો તમે કેવી રીતે પ્રોપર્ટીનો કબ્જો તમારી પાસે રાખી શકો..? ભાડા કરારની શરત ભંગના કિસ્સામાં ભાડુઆત મિલ્કતનો કબ્જો કોઇપણ સંજોગોમાં પોતાની પાસે રાખી શકે નહી અને હાઇકોર્ટ ભાડા કરારની ઉપરવટ જઇ શકે નહી. તમારે રાહત મેળવવી હોય તો સિવિલ કોર્ટમાં જાઓ અને ત્યાં રજૂઆત કરો. અહીં રાહત માંગવાનો કોઇ અર્થ નથી, કારણ કે, રેન્ટ ડીડની ઉપરવટ નહી જઇ શકાય.


