અઠવાડીયામાં જ ત્રણ હજાર જેટલું રીચાર્જ કરવાથી અકળાયેલા ગ્રાહકોએ વિરોધ કરતા સરકાર એકશનમાં : વીજ કંપનીઓના એમડીઓ સાથે ઉર્જા મંત્રીની તાકીદની બેઠક
વીજ કંપનીઓ દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત થતાંની સાથે જ રાજકોટ સહિત સમગ્ર રાજયમાં ગ્રાહકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. માત્ર અઠવાડીયામાં જ ત્રણ હજારના રીચાર્જ કરવા પડતા હોવાની રાવ ગ્રાહકો દ્વારા કરવામાં આવી હતી અને વીજ કંપનીઓ સામે વિરોધ પ્રદર્શન કરતા સરકાર પણ એકશનમાં આવી હતી અને તાકીદે વીજ કંપનીઓના સત્તાધીશોને ઉર્જા મંત્રીએ રૂબરૂ બોલાવી સમગ્ર મામલે સમીક્ષા કરી હતી. બાદમાં વિરોધ કરતાં ગ્રાહકોના ઘરે-ઘરે જઇ તેમને સમજાવવા માટે અધિકારીઓને તાકીદ કરવામાં આવી છે.
રાજ્યમા જ્યારથી ગુજરાત વિદ્યુત બોર્ડની સ્થાપના થઇ ત્યારથી સાદા મીટર અને ત્યાર બાદ વીજ ગ્રાહકોના ઘરે ડીઝીટલ મીટર લગાવવામાં આવ્યા છે. હવે ડિજીટલ મીટર કાઢી અને તેની જગ્યાએ સ્માર્ટ ડીઝીટલ મીટર લગાવવામાં આવી રહ્યા છે જેમા બે કે પાંચ દિવસમાં જ બેલેન્સ પુરૂ થઈ જતું હોવાની વ્યાપક ફરીયાદો વીજ ગ્રાહકો માંથી ઉઠતા ગઈકાલે રાજયના ઉર્જા મંત્રી તથા ઉર્જા સેક્રેટરી એ ચારેય વિજ કંપનીના એમ.ડી.ની.બેઠક બોલાવી હતી અને વીજ ગ્રાહકોની આવતી ફરીયાદનુ નિરાકરણ લાવવા માટે કડક સુચના આપવામાં આવી છે. તેમજ જે ગ્રાહકોની ફરીયાદો આવી છે તેવા ગ્રાહકોના ઘરે જઈને ફરી વખત મીટર ચેક કરવાની સુચના આપવામાં આવી છે.
વીજ કંપનીના સુત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્યની ચારેય વીજ કંપની જેમાં પીજીવીસીએલ, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉતર ગુજરાત વીજ કંપનીમાં અત્યારે વીજ ગ્રાહકોને ત્યાં હયાત ડીઝીટલ મીટર લગાવવામાં આવ્યા છે તેની જગ્યાએ સ્માર્ટ ડીઝીટલ મીટર લગાવવામાં આવી રહ્યા છે પરંતુ ખાસ કરીને વીજ ગ્રાહકોમાથી એવી ફરીયાદો ઉઠતા ચારેય વિજ કંપનીના એમ.ડી.સાથે ઉર્જા મંત્રી કનુભાઇ દેસાઇ અને ઉર્જા સેક્રેટરી મમતા વર્મા એ બેઠક યોજી હતી અને સ્માર્ટ મીટર લગાડવામાં આવ્યા છે અને જે વીજ ગ્રાહકોની ફરીયાદો આવી છે તેવા ગ્રાહકોની ફરિયાદનું નિરાકરણ લાવવુ અને ફરીયાદો કરી છે તેવા ગ્રાહકોના ઘરે ફરી વખત જઈને મીટર ચેક કરી અને તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે તાકીદ કરવામાં આવી હતી.
સ્માર્ટ મીટર સામે હાઇકોર્ટમાં અરજી
મધ્ય ગુજરાત વિજ કંપની લી. દ્વારા જુના ઈલેક્ટ્રિસિટી મીટર કાઢીને નવા પ્રિ પેઈડ મીટર લગાડવાની શરુ કરાયેલી કાર્યવાહીનો ચોમેર વિરોધ થઈ રહયો છે. આ યોજનાના અમલ સામે કાયદાકીય રીતે વિરોધ નોંધાવી રહેલાં બાજવાના એક નાગરિકે એમ.જી.વી.સી.એલ.ના મેનેજિંગ ડાયરેક્ટર, કેન્દ્રની મિનિસ્ટ્રી ઓફ પાવરના સેક્રેટરી વિગેરે સામે ગુજરાત હાઈકોર્ટમાં પાર્ટી ઈન પર્સન તરીકે યાચિકા દાખલ કરી છે.


