- ટેંકરે કાર અને પિકઅપ ગાડીને મારી ટક્કર
- ટક્કર બાદ કારમાં આગ લાગતા 3 લોકો ભુંજાયા
- એક મહિલા, 5 વર્ષની બાળકી સહિત 4નાં મોત
હરિયાણાના ગુરુગ્રામમાં મોડી રાત્રે એક મોટો રોડ અકસ્માત થયો હતો. અહીં એક ટેન્કરે કાર અને પીકઅપ વાનને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે. જીવતા સળગવાથી ત્રણ લોકોના મોત થયા હતા. પોલીસે જણાવ્યું કે આ અકસ્માત દિલ્હી-જયપુર હાઈવે પર થયો હતો. અહીં એક ઓઈલ ટેન્કર બેકાબૂ થઈને ડિવાઈડર સાથે અથડાયું હતું. ત્યાર બાદ એક કાર અને પીકઅપ વાન વચ્ચે ટક્કર થઈ હતી. ટક્કર બાદ કારમાં આગ લાગી હતી.
અકસ્માતમાં પીકઅપ વાનના ડ્રાઈવરનું પણ મોત
આ કારમાં બેઠેલા ત્રણ લોકો જીવતા સળગી ગયા અને મૃત્યુ પામ્યા. આ અકસ્માતમાં પીકઅપ ચાલકનું પણ મોત થયું હતું.
‘મૃતકોની ઓળખ થઈ રહી છે’
ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. અકસ્માતમાં કાર સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગઈ હતી. પોલીસનું કહેવું છે કે ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ કરવામાં આવી રહી છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.
પોલીસે જણાવ્યું હતું કે આગને કારણે કાર બળી ગઈ હતી. વાહનવ્યવહાર ખુલ્લો મુકાયો છે.
હાઇસ્પીડ ઓઇલ ટેન્કર જયપુર તરફથી આવી રહ્યું હતું. ત્યારે આ ટેન્કર ડિવાઈડર તોડીને જયપુર તરફ જતી લાઈનમાં ઘુસી ગયું હતું. આ દરમિયાન જયપુરથી જઈ રહેલી કાર સાથે ટ્રકની ટક્કર થઈ હતી. આ પછી ટેન્કર ગ્રીલ તોડીને સર્વિસ લેન પાસે પહોંચ્યું હતું અને સામેથી આવતા પીકઅપ વાહનને ટક્કર મારી હતી.કારમાં સીએનજી હોવાના કારણે કાર ટેન્કર સાથે અથડાતાં જ તેમાં આગ ભભૂકી ઉઠી હતી. કારમાં સવાર લોકોને બહાર નીકળવાની તક પણ મળી ન હતી. કારની અંદર જ તેમનું મોત થયું હતું.