- ઓમાનમાં થયેલા આતંકી હુમલામાં એક ભારતીયનું મોત
- પાકિસ્તાનના ચાર નાગરિકોનાં મોત, 30 ઈજાગ્રસ્ત
- અમેરિકાએ નાગરિકોને સાવધાન રહેવા અપીલ કરી
ઓમાનની એક શિયા મસ્જિદમાં નમાજ દરમિયાન મોટો આતંકવાદી હુમલો થયો છે. હુમલાખોરોએ પાસેની ઈમારતથી ગોળીબાર શરૂ કર્યો હતો. આ ઘટનામાં છ લોકોનાં મોત થયા છે. ત્રણ હુમલાખોર ઠાર મરાયા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં એક પોલીસ અધિકારી સહિત અન્ય લોકો પણ ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોની સ્થિતિ નાજુક હોવાનું સામે આવ્યું છે. જેથી મોતનો આંકડો વધી શકે છે.
રોયલ ઓમાન પોલીસના જણાવ્યા પ્રમાણે ગોળીબાર ઓમાનની રાજધાની મસ્કતના વાદી કબીર વિસ્તારમાં રાત્રે થઈ હતી. જો કે હજી સુધી આ આતંકી હુમલાનું કોઈ કારણ સામે આવ્યું નથી. આ ઘટનામાં બીજા દેશોના લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનામાં એક ભારતીય નાગરિકના મોતની જાણકારી સામે આવી છે. જ્યારે પાકિસ્તાન સરકારે જણાવ્યું કે આ ઘટનામાં તેના ત્રણ નાગરિકો માર્યા ગયા છે.
આતંકી હુમલામાં એક ભારતીયનું મોત
ઓમાનમાં થયેલા આ હુમલાને લઈ ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે, મસ્કત શહેરમાં થયેલા ગોળીબારની ઘટના પછી ઓમાનના વિદેશ મંત્રાલયે સૂચના આપી કે એક ભારતીય નાગરિકનું મોત થયું છે. અને એક ઈજાગ્રસ્ત છે. દૂતાવાસે ખેદ વ્યક્ત કરતા કહ્યું કે પીડિત પરિવારોને તમામ મદદ પૂરી પાડવા મંત્રાલય તૈયાર છે.
આ આતંકવાદી હુમલાની ઘટનાનો એક વીડિયો ફૂટેજ પણ સામે આવ્યો છે. જેમાં ગોળીઓનો અવાજની વચ્ચે લોકો ઈમામ અલી મસ્જિદમાં આમથી તેમ દોજી રહ્યા છે. ઓમાં એક પાકિસ્તાનના અધિકારીએ જણાવ્યું કે, મસ્જિદમાં મોટાભાગના દક્ષિણ એશિયન પ્રવાસીઓ આવતા-જતા હોય છે.
પાકિસ્તાનના ચાર નાગરિકોનાં મોત, 30 ઈજાગ્રસ્ત
પાકિસ્તાન સરકારે દાવો કર્યો છે તે આ આતંકી હુમલામાં તેના ચાર નાગરિકો માર્યા ગયા છે. આ ઉપરાંત 30 ઘાયલ છે. આ ઘટના અંગે વિદેશ મંત્રાલયે જણાવ્યું તે તેઓ ઈમામ બારગાહ અલી બિના અબુ તાલિબ મસ્જિદ પર થયેલા આતંકી હુમલાની કઠોર શબ્દોમાં ટીકા કરે છે. ઉપરાંત એક બીજા નિવેદનમાં કહ્યું કે સરકાર આ વાતથી ખુશ છે કે ઓમાનની સરકારે હુમલાખોરને ઠાર માર્યા છે. પાકિસ્તાને મોહરર્મના મહિનામાં આ ઘટના માટે જવાબદાર લોકોને કાયદાના પાઠ ભણાવવા મદદ કરવાની રજૂઆત કરી છે. ઉલ્લેખનીય છે કે ઓમાનમાં આશરે ચાર લાખ પાકિસ્તાનીઓની સંખ્યા છે.
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે જણાવ્યું કે, “તેઓ આતંકવાદી હુમલાથી દુખી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ કરતા જણાવ્યું કે પાકિસ્તાન ઓમાન સલ્તનતની સાથે ખભેખભો મેળવી ઊભા છે. અને તપાસમાં સંપૂર્ણ મદદ કરવાની રજૂઆત કરીએ છીએ.”
અમેરિકાએ નાગરિકોને સાવધાન રહેવા અપીલ કરી
મસ્કતમાં અમેરિકી દૂતાવાસે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે ગોળીબાર પછી સુરક્ષા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉપરાંત તમામ વીઝા એપોઈન્ટમેન્ટ રદ્દ કરી દેવામાં આવી છે. આવા સમયે અમેરિકી નાગરિકોને સાબદાં રહેવાની અને અધિકારીઓની સૂચનાનું પાલન કરવા જણાવ્યું હતું.


