થર્ટી ફર્સ્ટ નજીક આવતા રાજકોટ પોલીસ એકશન મોડમાં
અત્યાર સુધીમાં આવેલા ચાર અરજી, સ્થળ મુલાકાત બાદ મંજૂરી અપાશે : અલગ-અલગ ટીમો બનાવી ચેકીંગ કરાશે, નશો કરનારની ખેર નહી
અગ્ર ગુજરાત, રાજકોટ
હાલ લાઈસન્સ શાખામાં થર્ટી ફર્સ્ટની પાર્ટી માટે માત્ર ચાર અરજીઓ મળી છે, જેને સંબંધિત પોલીસ મથકના અભિપ્રાય માટે મોકલવામાં આવી છે. સ્થળની મુલાકાત બાદ મંજૂરી આપવામાં આવશે. બીજી તરફ, થર્ટી ફર્સ્ટને લઈને રાજકોટ પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે. શહેરમાં અલગ અલગ ટીમો દ્વારા ચેકિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ડ્રગ્સ, નશીલા પદાર્થો કે દારૂના સેવનને અટકાવવા માટે સઘન તપાસ હાથ ધરવામાં આવશે. ડ્રગ્સનું સેવન કરનારાને ઝડપી પાડવા માટે ડ્રગ્સ ડિટેક્શન એનાલાઇઝર મશીનનો ઉપયોગ કરવામાં આવશે. આ મશીન સાથેની કિટ દ્વારા શંકાસ્પદ વ્યક્તિની સલાઈવા લઈને માત્ર 60 સેકન્ડમાં ડ્રગ્સ સેવન અંગેની જાણ થઈ શકે છે.
રાજકોટ આસપાસના ખાનગી ફાર્મહાઉસમાં ચાલતી દારૂની પાર્ટીઓ પર પણ પોલીસની ખાસ નજર રહેશે. શહેરને જોડતા હાઇવે પર નાકાબંધી કરીને દેશી-વિદેશી દારૂની હેરાફેરી રોકવા પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝાના નિર્દેશથી સઘન વાહન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે.
નશામાં વાહન ચલાવતા ચાલકો સામે કડક કાર્યવાહી
થર્ટી ફર્સ્ટની રાત્રે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શહેરના મુખ્ય ચોક, માર્ગો તેમજ એન્ટ્રી પોઈન્ટ પર ક્રાઈમ બ્રાન્ચ, એએસઓજી, પી.સી.બી., એલ.સી.બી. સહિતની ટીમો તૈનાત રહેશે. નશામાં વાહન ચલાવતા ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
31 ડિસેમ્બર સુધી વિશેષ પ્રોહિબિશન ડ્રાઇવ
થર્ટી ફર્સ્ટ દરમિયાન દારૂ અને નાર્કોટિક્સ પદાર્થોની હેરાફેરી, વેચાણ અને સેવન રોકવા માટે 31 ડિસેમ્બર સુધી વિશેષ પ્રોહિબિશન ડ્રાઇવ ચલાવવામાં આવશે. રાજકોટ પોલીસ દ્વારા નશામુક્ત અને સુરક્ષિત નવા વર્ષની ઉજવણી માટે નાગરિકોને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.


