- લીકર સ્કેમ મામલે કેજરીવાલને સમન્સ
- રાઉઝ એવન્યુ કોર્ટે 16 માર્ચે હાજર થવા કહ્યું
- ઇડીએ અત્યાર સુધી 8 વાર સમન્સ પાઠવ્યુ છે
લીકર સ્કેમ મામલે દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધી શકે છે. ઇડીની ફરિયાદને પગલે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે અરવિંદ કેજરીવાલને 16 માર્ચે હાજર થવાનો આદેશ આપ્યો છે.
ઇડીએ 8 વાર પાઠવ્યુ છે સમન્સ
ઉલ્લેખનીય છે કે આ પહેલા EDએ સીએમ કેજરીવાલને આઠ સમન્સ મોકલ્યા છે. તે આ સમન્સને ગેરકાયદે ગણાવી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે આ સમન્સ ગેરકાયદેસર છે પરંતુ તેમ છતાં તે EDના સવાલોના જવાબ આપવા તૈયાર છે. તેણે ED પાસે 12 માર્ચ પછીની તારીખ માંગી હતી. કેજરીવાલે કહ્યું હતું કે તેઓ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રશ્નોના જવાબ આપશે.
વારંવાર સમન્સ મોકલવા પર AAPનું વલણ
ED દ્વારા કેજરીવાલને વારંવાર સમન્સ મોકલવામાં આવતાં, આમ આદમી પાર્ટીએ સવાલ ઉઠાવ્યો હતો કે ED આ સમન્સ કયા આધારે મોકલી રહ્યું છે. જ્યારે ED પોતે આ મામલે કોર્ટમાં ગઈ છે તો પછી તે રાહ કેમ ન જોઈ શકે. ઇડી માત્ર અરવિંદ કેજરીવાલને ડરાવવા માંગે છે.. આમ આદમી પાર્ટીનું કહેવું છે કે ચંદીગઢમાં જે રીતે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે તેનો બદલો અરવિંદ કેજરીવાલ પાસેથી લેવામાં આવી રહ્યો છે. જો આ માત્ર કાનૂની મામલો હોત તો EDએ કોર્ટના નિર્ણયની રાહ જોઈ હોત. આમ આદમી પાર્ટી તેનાથી ડરતી નથી
શું છે મામલો ?
22 માર્ચ, 2021 ના રોજ મનીષ સિસોદિયાએ દિલ્હીમાં નવી દારૂ નીતિની જાહેરાત કરી હતી. 17 નવેમ્બર 2021 ના રોજ,નવી દારૂ નીતિ એટલે કે આબકારી નીતિ 2021-22 લાગુ કરવામાં આવી હતી. નવી પોલીસી લાવ્યા બાદ સરકાર દારૂના ધંધામાંથી બહાર આવી, ત્યારબાદ તમામ દારૂની દુકાનો ખાનગી હાથમાં ગઈ. આ નીતિ લાવવા પાછળ સરકારનો તર્ક હતો કે તેનાથી માફિયા શાસનનો અંત આવશે અને સરકારની આવકમાં વધારો થશે. જોકે, નવી નીતિ શરૂઆતથી જ વિવાદમાં રહી હતી. જ્યારે હોબાળો વધી ગયો તો 28 જુલાઈ, 2022 ના રોજ, સરકારે નવી દારૂ નીતિ રદ કરી અને ફરીથી જૂની નીતિ લાગુ કરી હતી.


