– બ્રેન્ટક્રૂડે ૯૦ ડોલરની સપાટી ગુમાવી: પ્લેટીનમના ભાવ ૯૦૦ ડોલરની અંદર ઉતર્યા:
– વિશ્વ બજારમાં સોના-ચાંદી તથા ક્રૂડતેલના ભાવમાં ઝડપી ઘટાડો
Updated: Oct 25th, 2023
મુંબઈ : મુંબઈ બુલીયન બજાર આજે દશેરા નિમિત્તે સત્તાવાર બંધ હતી. જો કે બંધ બજારે વિશ્વ બજાર પાછળ ભાવમાં ઘટાડો આગળ વધ્યો હતો. વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સ તથા બોન્ડ યીલ્ડ વધતાં તથા ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે વોર ધીમો પડતાં વિશ્વ બજારમાં સોનામાં ફંડોનું સેલીંગ વધ્યાના નિર્દેશો હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૧૯૭૭થી ૧૯૭૮ વાળા નીચામાં ૧૯૫૩થી ૧૯૫૪ થઈ ૧૯૬૪થી ૧૯૬૫ ડોલર રહ્યાના નિર્દેશો હતા.
સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંશના ૨૩.૧૧થી ૨૩.૧૨ વાળા નીચામાં ૨૨.૬૬થી ૨૨.૮૭થી ૨૨.૮૮ ડોલર રહ્યા હતા. મુંબઈ બજારમાં આજે ચાંદીના ભાવ કિલોના જીએસટી વગર રૂ.૭૨૦૯૪ વાળા રૂ.૭૧૫૦૦ આસપાસ બોલાઈ રહ્યા હતા. સોનાના ભાવ જીએસટી વગર ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૂ.૬૦૪૫૫ વાળા રૂ.૬૦૧૫૦થી ૬૦૨૦૦ તથા ૯૯.૯૦ના ભાવ રૂ.૬૦૬૯૮ વાળા રૂ.૬૦૪૦૦થી ૬૦૪૫૦ રહ્યા હતા.
મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ રૂ.૫૦૦ તૂટી ૯૯.૫૦ના રૂ.૬૨૦૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૬૨૨૦૦ રહ્યા હતા,
જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ રૂ.૫૦૦ ઘટી રૂ.૭૨૫૦૦ રહ્યા હતા. વિશ્વ બજાર ઘટતાં ઘરઆંગણે ઈંમ્પોર્ટ કોસ્ટ નીચી આવતાં દેશના ઝવેરી બજારોમાં આજે દશેરાના દિવસે ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો અને તેના પગલે બજારોમાં મોસમીા માગ પણ સારી રહી હતી એવું જાણકારોએ જણાવ્યું હતું.
દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ૯૦૨થી ૯૦૩ વાળા ૮૮૫ રહ્યા હતા. જ્યારે પેલેડીયમના ભાવ ૧૧૨૪થી ૧૧૨૫ વાળા નીચામાં ૧૧૦૯થી ૧૧૧૦ થઈ ૧૧૧૭થી ૧૧૧૮ ડોલર રહ્યા હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં પણ ઘટાડો આગળ વધ્યો હતો. નવી માગ ધીમી હતી. વોર વિષયક નવા બનાવો પર નજર હતી.
બ્રેન્ટ ક્રૂડતેલના ભાવ બેરલના ૯૨.૦૩ વાળા આજે નીચામાં ૮૯.૪૬ થઈ ૮૯.૮૬ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૮૭.૮૪ વાળા નીચામાં ૮૫.૦૯ થઈ ૮૫.૪૧ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ માઈનસમાં રહ્યા પછી ૦.૧૫ સટકા ઉંચકાયા હતા. ચીનથી મળતા સમાચાર મુજબ ત્યાં સરકારે ડેબ્ટ તથા બોન્ડ ઈસ્યુ વધારવાનું નક્કી કર્યું છે. જોકે ત્યાં ફિસ્કલ ડેફીસીટ વેરાકીય ખાદ્ય જીડીપીના ૩ ટકાથી વદારી સાડા ૩ ટકા કરાયાના પણ નિર્દેશો હતા.


