- બાંગ્લાદેશ 172માં સમેટાયું, ન્યૂઝીલેન્ડ પાંચ વિકેટે 55
- બીજી ટેસ્ટના પ્રથમ દિવસે સ્પિનર્સનો દબદબો રહ્યો હતો
- બંને ટીમના બેટ્સમેનોને સ્પિનર્સ સામે સંઘર્ષ કરવો પડયો
બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાતી બીજી ટેસ્ટના પ્રથમ દિવસે સ્પિનર્સનો દબદબો રહ્યો હતો. પ્રથમ દિવસે બંને ટીમના બેટ્સમેનોને સ્પિનર્સ સામે સંઘર્ષ કરવો પડયો હતો. બોલ ઘણો ટર્ન થઈ રહ્યો હતો અને પ્રથમ દિવસે બંને ટીમની કુલ 15 વિકેટ પડી હતી જેમાં 13 વિકેટ સ્પિનર્સે ઝડપી હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર બાંગ્લાદેશની ટીમિ 66.2 ઓવરમાં 172 રનના સ્કોરે ઓલઆઉટ થઈ ગઈ હતી. ઝાંખા પ્રકાશના કારણે રમત બંધ રાખવામાં આવી ત્યારે ન્યૂઝીલેન્ડને પ્રથમ દાવમાં પાંચ વિકેટે 55 રન બનાવ્યા હતા અને સ્ટમ્પના સમયે ડેરિલ મિચેલ 12 તથા ગ્લેન ફિલિપ્સ પાંચ રન બનાવીને રમી રહ્યા હતા. ન્યૂઝીલેન્ડ હજુ પણ 117 રન પાછળ છે. પિચનો સ્વભાવ જોતાં મેચ ત્રણ દિવસમાં પૂરી થઈ જાય તેવી સંભાવના છે. બાંગ્લાદેશની ઇનિંગમાં રહીમે 35 તથા શહાદત હુસૈને 31 રન બનાવ્યા હતા. કિવિ ટીમ માટે સ્પિનર એજાઝ પટેલે બે, સાન્તેનર તથા ફિલિપ્સે ત્રણ-ત્રણ વિકેટ ખેરવી હતી. પેસ બોલર સાઉથીએ એક વિકેટ હાંસલ કરી હતી. ન્યૂઝીલેન્ડની ઇનિંગમાં વિલિયમ્સનના13 રન મુખ્ય રહ્યા હતા. મહેદી હસન મિરાઝે 17 રનમાં ત્રણ તથા તાઇજુલ ઇસ્લામે 29 રનમાં બે વિકેટ ખેરવી હતી.


