ફાગણી પૂનમ અર્થાત્ હોળી-ધુળેટીના પર્વટાણે ડાકોરમાં ભક્તોનો દેશ – વિદેશમાંથી લાખોનો મહેરામણ ઊમટે છે. ફાગણ સુદ અગિયારસથી અમદાવાદથી ડાકોર તરફના તમામ માર્ગો પદયાત્રિકોથી ઊભરાવા માંડે છે. ચોતરફથી નદીઓ જાણે સમુદ્રને મળવા જતી હોય તેમ કાળિયા ઠાકોર સાથે રંગોત્સવ મનાવવા માટે ડાકોરમાં આશરે દસથી પંદર લાખ શ્રદ્ધાળુઓના પદસંચારથી ધરતી ધબકી ઊઠે છે. ચોતરફ રસ્તાઓ પર નજર નાખો ત્યાં સુધી ધજાપતાકા અને નિશાન સાથે ઢોલ, નગારાં, ત્રાંસા, બેન્ડવાજાં સાથે ગુલાલના ગુબ્બારા ઉડાવતી ભજનમંડળીઓ ઠાકોરજીના રથ આગળ નાચી ઊઠે છે. પદયાત્રાના પથ અને આકાશમાં ગુલાલની છોળો એક અવિસ્મરણીય દૃશ્ય નિર્માણ કરે છે. જ્યાં જુઓ ત્યાં માનવમહેરામણ છલકાયેલો જોવા મળે છે. પછી એ ઊગતી સવાર હોય કે ઘો2 રાત્રિ હોય, ત્યારે આપણને લાગે કે જ્યાં શ્રદ્ધા હોય ત્યાં શક્તિ આપોઆપ આવી જતી હોય છે. આબાલવૃદ્ધ સૌ સાથે મળીને રાજા રણછોડનાં ભજનોની તાલે તાલ મિલાવીને રસ્તો કાપતા હોય છે. આ માર્ગો ઉપર ઓ ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ… જય રણછોડ…માખણચોર… રણછોડ તું રંગીલો નાથ… હું દીકરો ને રણછોડ મારો બાપ રે…જેવાં ભજન અને કીર્તન સાથે સતત ગુંજ્યા જ કરે છે. ડાકોર સાથે જોડાયેલી ભક્ત બોડાણાની કથા તો ખૂબ જ પ્રચલિત છે.
રંગોત્સવનો પ્રારંભ
ફાગણ સુદ અગિયારસથી ડાકોરમાં રંગોત્સવનો પ્રારંભ થાય છે. અગિયારસે બાળસ્વરૂપ ગોપાલલાલજીશ્રીને સૌપ્રથમ મંદિરના પરિસરમાં પરિક્રમા કરાવવામાં આવે છે. ત્યારબાદ મોટા દરવાજા ઉ૫ર આભૂષણો અને ચાંદીની અંબાડીથી સુશોભિત હાથ પર બિરાજમાન કરાવવામાં આવે છે. ત્યારબાદ તેઓને હાથ પર લાલ બાગમાં લઈ જવાય છે. ત્યાં શ્રીજી મહારાજની સાથે સવારીમાં ઘોડાઓ સહિત અન્ય પાલખીઓ વિવિધ ભજનમંડળીઓ શ્રીજી મહારાજની નજર ઉતારે છે. સવારી દરમિયાન અબીલ-ગુલાલની રસછોળ ચારેકોર ઉડાડવામાં આવે છે. ત્યાંથી શ્રીજી મહારાજને પરત નિજમંદિરે લાવતાં પૂર્વે લક્ષ્મીજીના મંદિરે લઇ જવાય છે. જ્યાં થોડા વિરામ બાદ આરતી-ભોગ ધરાવવામાં આવે છે. ત્યાંથી શ્રીજી મહારાજને ભક્તરાજ વિજયસિંહ બોડાણાના મંદિરે લઇ જવાય છે. ત્યાં થોડા વિરામ બાદ હાથીની સવારી ઉપર શ્રીજી મહારાજને નિજમંદિરે પરત લાવવામાં આવે છે. જ્યાં નિત્યક્રમ પૂર્ણ કરીને શ્રીજીને મંદિરમાં બિરાજમાન કરાવવામાં આવે છે.
હોળીના દિવસે શણગાર ભોગ
હોળીના દિવસે શણગાર ભોગમાં નિત્ય ક્રમાનુસાર સોના અને ચાંદીની પિચકારીથી કેસર ઘૂંટેલા જળથી શ્રીજી મહારાજને સ્પર્શ કરાવીને સૌ ભક્તજનોને આ કેસરિયો રંગ છાંટવામાં આવે છે. ત્યારબાદ નવરંગનો શ્રીજી મહારાજને સ્પર્શ કરાવીને ભક્તોને છાંટવામાં આવે છે. નવરંગોમાં અબીલ, ગુલાલ, પીળો, લીલો, કેસરિયો, ભૂરો, જાંબલી, વાદળી અને આછો સોનેરી રંગ સૌ ભક્તોને છાંટવામાં આવે છે. ત્યારબાદ શ્રીજી મહારાજને ધાણી, ચણા, ખજૂર અને લાડુનો પ્રસાદ ધરાવવામાં આવે છે. જેમાં નિત્યક્રમના આઠ ભોગ પણ ધરાવાય છે. ત્યારબાદ ધુળેટીનો ઉત્સવ બીજા દિવસે ઊજવાય છે. શ્રીજી મહારાજને ધુળેટીના દિવસે શણગાર ભોગ અર્પણ કર્યા બાદ આસોપાલવ અને લીલી દ્રાક્ષ બાંધેલા ડોળ (ઝૂલા) પર બિરાજિત કરાવવામાં આવે છે. ત્યારબાદ સોના-ચાંદીની પિચકારી અને નવરંગોથી હોળીના દિવસની જેમ જ ભક્તોને રંગો છંટાય છે. પાંચ ખેલ પૂર્ણ થયા બાદ ધુળેટીનો ઉત્સવ પૂર્ણ થાય છે. દર કલાકે આ પ્રકારનો ખેલ કરવામાં આવે છે. આ ખેલના રંગે રંગાવવા માટે ગુજરાત અને આજુબાજુનાં રાજ્યોમાંથી પણ પગપાળા ચાલીને ભક્તો ડાકોરના ઠાકોરને મળવા અને દર્શન કરવા દોડી આવે છે. આ હોળી-ધુળેટીના પર્વ દરમિયાન ડાકોરમાં બેથી ત્રણ ટન જેટલો અબીલ ગુલાલ ઉડાડવામાં આવે છે. રાજા રણછોડરાયના ડાકોરના મંદિરમાં શિખરો ઉપર સંખ્યાબંધ હજારો ધજાઓ વિવિધ યાત્રાળુઓ, સંઘો, પદયાત્રિકો દ્વારા ચઢાવાય છે.
પદયાત્રિકો અને ત્રણ દિવસનો ફાગણી મેળો
આ ત્રણ દિવસના ફાગણી મેળામાં પદયાત્રિકો રાજાધિરાજનાં દર્શન કરીને તેમના સન્મુખ અબીલ-ગુલાલની છોળ ઉડાડીને ભગવાન સાથે હોળી-ધુળેટી રમ્યાની આનંદથી અનુભૂતિ પ્રાપ્ત કરીને કૃતકૃત્ય થયાની લાગણી અનુભવે છે. આખું ડાકો2ધામ જય રણછોડ… માખણચોરના જયઘોષ-પ્રતિઘોષથી ગુંજી ઊઠે છે. હોળી સિવાય જન્માષ્ટમી, નંદ મહોત્સવ, રથયાત્રા અને દશેરા જેવા તહેવારોની પણ શ્રી રણછોડરાયજી મંદિરમાં ધામધૂમથી ઉજવણી થાય છે.